અન્ય એક યુવાન પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં હાથ કપાયો: સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયો: બાલંભા નામચિન ૪ શખ્સો દ્વારા જૂના મનદુઃખ ના કારણે હત્યા તેમજ હત્યા પ્રયાસ કરાયાનો ગુનો નોંધવા તજવીજ: જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સહિતની પોલીસ ટુકડીઓ દ્વારા આરોપીઓને પકડવા ચોતરફ નાકાબંધી


જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં ગ્રામ પંચાયતની કચેરીમાં ચાર જેટલા શખ્સોએ સમી સાંજે આવી ફાયરિંગ કર્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ ને છાતીમાં ગોળી વાગવાથી સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું, અને બનાવ હત્યામાં પલટાયો છે. આ ઉપરાંત અન્ય એક યુવાન પર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી દેવાતાં તેનો હાથ કપાયો છે, અને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાલંભા ગામ ના જ બે નામચીન શખ્સો સહિતના ચાર શખસોએ જુની અદાવતના કારણે મનદુખ રાખી હિચકારો હુમલો કરાયાનું સામે આવ્યું છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સહિત પોલીસ ટુકડીએ નાકાબંધી કરી આરોપીઓને પકડવા દોડધામ શરૂ કરી છે.


 આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બલંભા ગામમાં રહેતા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા બાલંભા ગામના ઉપસરપંચ કાંતિ લાલ રામજીભાઈ માલવિયા (૫૦) તેમજ નિલેશભાઈ કરસનભાઈ માલવિયા કે જેઓ સાંજે છ વાગ્યા આસપાસ ગ્રામ પંચાયતની કચેરીમાં બેઠા હતા જે દરમિયાન બાલંભા ગામના જ બે  નામચીન શખ્સો અસગર હુસેન કમોરા, તેમજ અયૂબ ઉર્ફે અયબો જૂસબ જ્સરાયા પોતાના અન્ય બે સાગરીતો સાથે ધસી આવ્યા હતા, અને ખાનગી હથિયારમાંથી ફાયરિંગ કરી દેતાં કાંતિભાઈ ને છાતીમાં ગોળી વાગવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજયું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.

 આ ઉપરાંત તેની સાથે જ બેઠેલા નિલેશભાઈ કરસનભાઈ માલવિયા પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી દેતાં જમણો હાથ કપાયો હતો, તેમજ શરીરે અન્ય ભાગોમાં પણ ઇજા થઇ હતી. જેને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને તેના ઉપર શસ્ત્રક્રિયા ચાલી રહી છે. પોલીસ તંત્ર ને સમગ્ર બનાવની જાણ થતાં જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડી તેમજ જોડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા, તેમ જ ભાગી છૂટેલા ચારેય આરોપીઓને પકડી પાડવા માટે જોડીયા સહિત આસપાસના સમગ્ર પંથકમાં નાકાબંધી કરી છે. અને ગુનેગારોને પકડવા દોડધામ કરી છે.

 જુના મનદુઃખને કારણે આ હત્યા કરાઈ હોવાનું તેમજ ખૂની હુમલો કરાયાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર બાબતે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે. આ બનાવને લઇને બાલંભા ગામ માં ભારે સૉંપો પડી ગયો છે.