જામનગર તા. ૭, જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાંથી અઢાર વર્ષની એક યુવતી આજથી બે મહિના પહેલા ગુમ થઈ હતી. જે યુવતીને પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે રાણાવાવ માંથી શોધી કાઢી છે, અને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધી છે.

 આ અંગેની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રામનગર શેરી નંબર પાંચ માં રહેતી ૧૮ વર્ષીય એક યુવતી આજથી આશરે બે માસ પહેલા પોતાના ઘેરથી એકાએક ગુમ થઇ ગઇ હતી. જેથી યુવતીના પિતા મશરીભાઇ વરૂ એ પોતાની પુત્રી ગૂમ થઇ હોવાની નોંધ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં કરાવી હતી.

 ત્યાર પછી પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ ની પણ અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને અદાલતે જૂન મહિના સુધીમાં યુવતીને શોધીને અદાલત સમક્ષ હાજર કરવા માટેનો પોલીસને આદેશ કર્યો હતો.

 જે આદેશ અનુસાર જામનગરની પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તેણીએ રાણાવાવમાં આશરો લીધો હોવાનું જાણવા મળતાં પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમ પહોંચી ગઈ હતી, ત્યાંથી યુવતીના કબજો સંભાળી જામનગર લઈ આવ્યા હતા. અને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધી છે.