જામનગર ૨, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રોયલ પુષ્પ પાર્ક વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થયા પછી પોતાનું ઘર છોડ્યું હતું, અને ગાગવા ગામે પોતાની કાયા પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેમાં ગંભીર સ્વરૂપે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રોયલ પુષ્પ પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશ ચુનીલાલ ગુઢકા નામના ૪૦ વર્ષના યુવાને પોતાની પત્ની દિવ્યાબેન સાથે ઝઘડો થયો હોવાથી બે દિવસ પહેલાં પોતાનું ઘર છોડી દીધું હતું, અને ગઇ કાલે સવારે જામનગર તાલુકાના ગાગવા ગામ નજીક પોતાના કુટુંબીઓ ની આવેલી વાડી પાસે પોતાની કાયા પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું.

 જેથી તેને ગંભીર હાલતમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાના મરણોન્મુખ નિવેદનમાં પત્ની દિવ્યાબેન સાથે ઝઘડો થયો હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. ત્યાર પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. સિક્કા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને વધુ તપાસ હાથ ધરી છે.