• લોક ડાઉનમાં દુકાન ખુલ્લી રાખનારા ૦૬ વેપારી-રેકડી ચાલકો તેમજ ૦૭ વાહન ચાલકો સામે કાર્યવાહી
  • મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્ક અંગેના ૪૧૧૮ કેસ કરાયા: ૧૬.૨૦ લાખના દંડની વસુલાત

 જામનગર તા ૭, જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની ગાઇડ લાઇન નું પાલન કરાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર જીલ્લા માં જાહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા અને રાત્રિ કરફ્યૂ ભંગ કરનારા લોકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ૧૦૨ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. તે જ રીતે લોક ડાઉન નો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારા અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ જાહેરનામાનો ભંગ કરનારા ૦૬ રેકડી ચાલકો અને દુકાનદારો સામે પણ ગુના નોંધાયા છે. ઉપરાંત વધુ પેસેન્જર ભરનારા ૦૭ વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગેના ૪,૧૧૮ કેસ કરાયા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧૬.૨૦ લાખનો દંડ વસૂલાયો છે.

 જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી પોલીસ તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર શહેર ઉપરાંત સિક્કા, પડાણા, લાલપુર, જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ, ધ્રોલ અને જોડીયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો સહિત સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૯ લોકો સામે માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે તેમજ રાત્રિ કરફ્યૂ ભંગ કરી જાહેરનામાંના ભંગ બદલના ગુના નોંધવામાં આવ્યા છે. 

આ ઉપરાંત જામનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં લોકડાઉન ની અમલવારી નો ભંગ કરી દુકાન ખુલ્લી રાખનારા અને પોતાની દુકાન અથવા તો રેકડી-કેબીન માં ભીડ એકઠી કરી જાહેરનામાનો ભંગ કરનારા ૦૬ વેપારીઓ પણ દંડાયા છે.

 જામનગર શહેર ના મુખ્ય હાઈવે રોડ પર નિર્ધારિત સંખ્યા કરતાં વધુ પેસેન્જરો ભરીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરનારા ૦૭ વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૧૦૨ સામે પગલાં ભરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ ૨૨.૪.૨૧ થી તારીખ ૬.૫. ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરવા અંગે તેમજ માસ્ક પહેર્યા વિના નીકળવા અંગે ના કુલ ૪,૧૧૮ કેસ કરવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી રુપિયા ૧૬ લાખ ૨૦.૮૪૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.