• બંને પક્ષે સામસામે હુમલા થયા ની પોલીસ ફરિયાદ પછી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

 જામનગર તા ૩, જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯ ના છેડે પાનની દુકાન ના બે ધંધાર્થીઓ વચ્ચે ધંધા ખાર ના કારણે તકરાર થઇ હતી, અને બંને જૂથ વચ્ચે સામસામે ઝપાઝપી થઇ હતી. જોકે પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વધુ મારામારી થતી અટકાવી હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શાંતિ નગર શેરી નંબર - ૨ માં રહેતા અને પટેલ કોલોની શેરી નંબર ૯ માં પાનની દુકાન ચલાવતા ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો સુરેન્દ્રસિંહ નામના યુવાને પોતાના ઉપર તેમજ ક્રિપાલસિંહ વગેરે ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જયદીપસિંહ મહેન્દ્રસિંહ સોઢા, હિતેશ રાઠોડ, મહેન્દ્રસિંહ સોઢા તેમજ યોગરાજસિંહ ઉર્ફે ટકો સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.

 જ્યારે સામાપક્ષે જયદીપસિંહ મહેન્દ્રસિંહ સોઢા એ પોતાના ઉપર તેમજ અન્ય વ્યક્તિ પર સોડા બાટલી તેમજ ધોકા વડે હુમલો કરવા અંગે ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો ક્રિપાલસિંહ તથા જહાંગીર વગેરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

 બંને પક્ષની પાનની દુકાન સામસામે આવેલી છે. જે ધંધાના ખારના કારણે આ તકરાર થઇ હોવાનું જાણવા મળ્યું છે.

 ઉપરોક્ત તમામ આરોપીઓ ઝઘડો કરી રહ્યા હતા, જે અંગેની સીટી બી ડિવિઝન પોલીસને માહિતી મળી જતાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો, અને વધુ તકરાર થતી અટકાવી હતી.