• સંસ્થા દ્વારા સાપ્તાહિક બે ટેન્કર ઓક્સિજન જી.જી હોસ્પિટલને અપાશે

જામનગર તા. ૦૮ મે, કોરોનાની મહામારીમાં સરકાર સાથે જ અનેક સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને સહાયરૂપ થવા માટે આગળ આવી છે. દરેક વ્યક્તિથી લઇ સમાજ અને દરેક સંસ્થાઓ આજે એકબીજાના સાથ થકી આ મહામારી સામે લડત આપી રહી છે. જી.જી.હોસ્પિટલ જામનગરમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સંક્રમણના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. અનેક દર્દીઓને ઓક્સિજનની તકલીફો સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આવા કપરા સમયમાં જામનગરની બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક સરાહનીય સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જામનગર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર સાપ્તાહિકે ૨(બે) લિક્વિડ ઓક્સિજન(૧૦ ટન)ના ટેન્કર આપવામાં આવશે, જેનો આજરોજથી પ્રારંભ થયો હતો. સ્વામીનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હોસ્પિટલને પ્રાણવાયુની સહાય કરવામાં આવી હતી. બી.એ.પી.એસ સંસ્થાના સાધુ-સંતો દ્વારા પૂજન વિધિ કરી આ સેવાકાર્યનો શુભારંભ કરાયો હતો. સંસ્થા દ્વારા આજે જી.જી હોસ્પિટલને ૧૦ ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો આપવામાં આવ્યો હતો.

આ તકે મંત્રીશ્રી આર.સી,ફળદુએ કોરોના મહામારીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા લોકોની વ્હારે આવી અને ખૂબ સ્તુત્ય કાર્ય કરી રહી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, મહામંત્રીશ્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, અધિક નિવાસી કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી કલેક્ટર શ્રી વી.કે. ઉપાધ્યાય, જી.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ, નાયબ વન સંરક્ષક શ્રી રાધિકા પરસાણા વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.