• પંચર ની ટ્યુબ નો નકશો કરતો હોવાના કારણે શ્વાસ રૂંધાઈ ગયાનું તેમજ ઇલેક્ટ્રિક શોક પણ લાગ્યો હોવાનું અનુમાન
  • મૃતક ની ઓળખ થઇ: માતા-પિતા મૃત્યુ પામ્યા હોવાથી દાદા-દાદીએ મૃતદેહની ઓળખ કરી આપી

જામનગર તા ૯, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષના પાર્કિંગ માંથી ૧૬ વર્ષની વયના તરુણ ના મળી આવેલા મૃતદેહના પ્રકરણમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા વગેરે નિહાળીને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે, અને મૃતકની ઓળખ થઈ છે. મૃતક ભિક્ષાવૃતિ કરતો હોવાનું અને તેના માતા પિતા મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે, તેના દાદા-દાદીએ મૃતદેહ ને ઓળખી બતાવ્યો હતો. મૃતક પંચર ની ટ્યુબ નો નશો કરતો હોવાથી તેના કારણે શ્વાસ રૂંધાવા થી અન્યથા માથાના ભાગે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી મૃત્યુ થયાનું અનુમાન કરાયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર -૨ માં ગેલેરીયા કોમ્પ્લેક્ષના પાર્કિંગ માંથી બે દિવસ પહેલા ૧૬ વર્ષની વય ના એક તરૂણ નો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતક તરૂણ ની ઓળખ થઇ છે, અને મૃતક નું નામ બાબુ દેવીપુજક જાણવા મળ્યું છે. અને બેડેશ્વર વિસ્તારમાં અથવા તો રખડતો ભટકતો હોવાનું તેમ જ ભીક્ષા વૃત્તિ કરીને પોતાનું જીવન ગુજારતો હોવાનો જાણવા મળ્યું હતું.

 મૃતક ના માતા પિતા કે જેઓ પણ ભિક્ષાવૃત્તિ કરતા હોવાનું, અને થોડા સમય પહેલા બંનેના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના દાદા દાદી કે જેઓ બેડેશ્વર વિસ્તારમાં રહે છે તેઓએ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. 

મૃતકને ત્રણ બહેનો છે જેમાં એક બહારગામ રહે છે, બાકીની બે જામનગર રહે છે. પોલીસે તેઓને પણ સંપર્ક કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક તરુણ અન્ય ભિક્ષુકો સાથે ફરીને ભિક્ષાવૃતિ કરતો હોવાનું, અને પોતાને પંચર ની ટ્યુબ નો નશો કરવાની ટેવ હોવાનું જાણવા મળ્યું હતું.

 બજારમાંથી પંચર ની ટ્યુબ ખરીદી ને એક રૂમાલ અથવા કપડાં રાખીને તે કપડું સુંગી તેના વડે નશો મેળવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેણે વધુ પડતો નશો કર્યો હોવાથી રૂમાલ નાક પર દબાવી રાખવાના કારણે ગૂંગળાઈ જવા થી મૃત્યુ થયાનું પ્રથમ અનુમાન લગાવાયું છે.

 તે ઉપરાંત મૃતક ના માથા ના વાળ વાળ ના ભાગે ઈલેક્ટ્રીક ના વાયર નો સ્પર્શ થયો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેથી ખુલ્લા વીજ વાયર ના કારણે તેને વીજઆંચકો લાગ્યાનો હોવાનું પણ અનુમાન કરાયું છે. 

મૃતકના વિસેરા મેળવીને લેબોરેટરીમાં મોકલાયા છે જેનો રિપોર્ટ આવી ગયા પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસ દ્વારા કોમ્પ્લેક્સના જુદા જુદા સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.