જામનગર તા ૪, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતા એક વયોવૃદ્ધ એ એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતાની કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

 આત્મહત્યાના આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ધૂનડા ગામમાં રહેતા ઓધવજીભાઈ રણછોડભાઈ તેરૈયા નામના ૮૦ વર્ષના વયોવૃદ્ધએ ગઈકાલે પોતાના ઘેર કાયા પર કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી લેતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે લઇ જવાયા હતા, પરંતુ તેઓનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજયું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ ઓધવજીભાઈ તેરૈયા એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર વયોવૃદ્ધ છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતા હતા, અને પોતાને અવારનવાર દાઢનો દુખાવો રહેતો હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.