દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને છૂટક ફરસાણનું વેપાર કરતા એક જૈન પરિવારના પ્રૌઢનું કોરોનાથી મૃત્યુ થયા બાદ વહેલી સવારે અગ્નિદાહ આપ્યા બાદ પરિવારને આ કોરોનાનો આઘાત લાગી આવતા વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી પત્ની અને બે પુત્રો સહિત એક જ પરિવારના ત્રણ લોકોએ સામુહિક આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.


       દ્વારકાના ટીવી વિસ્તારના રુક્ષમણીનગર વિસ્તારમાં રહેતા એક જૈન પરિવાર મોભી જયેશભાઇ જસવંતભાઈ જૈન ઉવ.60ને ત્રણેક દિવસ પહેલા કોરોના પોઝિટીવ આવેલ હતા. અને તેમની સારવાર અર્થે સ્થાનિક દવાખાનામાં દાખલ હતા. જેમનું કોરોનાને કારણે ગઈ રાત્રે દોઢ વાગ્યાના આસપાસ મોત થયું હતું. ત્યારબાદ પરિવાર જનો દ્વારા જયેશભાઇની અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતક જયેશભાઇના પત્ની સાધનાબેન ઉવ.57, પુત્ર દુર્ગેશભાઇ ઉવ.35, અને પુત્ર કમલેશભાઈ ઉવ.39 દ્વારા અંતિમ વિધિ પૂર્ણ કરાયા બાદ વહેલી સવારે ઘરે પહોંચી આવ્યા બાદ સવારે 9 વાગ્યાના આસપાસ દૂધવાળા ઘર ખોલતા આ ત્રણેય મૃતદેહ પડ્યા હોવાનું જોવા મળતા આ અંગે દ્વારકા પોલીસને જાણ કરતા દ્વારકા પી.એસ.આઈ ગઢવી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. અને પ્રાથમિક તપાસમાં પરિવારના મોભીનું કોરોનાના કારણે અવસાન થતાં તેના આઘાતમાં આવી જઇ પત્ની અને બન્ને પુત્રોએ ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેય મૃતદેહનો કબ્જો લઈ દ્વારકા સિવિલ હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. વધુ જાણવા મળતી વિગત મુજબ આ જૈન પરિવાર છેલ્લા ઘણા સમયથી દ્વારકામાં રહી અને છૂટક ફરસાણનો વેપાર કરતા હતા. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરાવી છે.