• બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને ૨૫૧ ડોલર સહિત રૂપિયા ૨ લાખથી વધુની માલમત્તા ઉઠાવી ગયા
  • રહેણાંક મકાનની અંદર રહેલા સીસીટીવી કેમેરા તેમજ અન્ય કેમેરાની મદદથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

 જામનગર તા ૩, જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને અમદાવાદમાં તબીબી પ્રેક્ટિસ કરતા એક તબીબના રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી ૧,૩૧ લાખ ની કિંમતના સોના ચાંદીના દાગીના ૩૮ હજારની રોકડ રકમ અને ૨૫૧ અમેરિકન ડોલર વગેરે મળી રૂપિયા બે લાખની માલમત્તા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરો ને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.

 ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલ્કેશ્વરી નગરી એસ-૨ વિનાયક -૨ ની સામે રહેતા અને હાલ અમદાવાદમાં મેડીકલ પ્રેકટીસ કરતા વિવેક પ્રવિણચંદ્ર કક્કડ નામના તબીબના બંધ મકાનને ગઇરાત્રે દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા એક લાખ ૩૧ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ ૩૭ હજારની રોકડ રકમ ઉપરાંત ૨૫૧ નંગ અમેરિકન ડોલર વગેરે મળી અંદાજે બે લાખ રૃપિયાની માલમતાની ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે ડો. વિવેક કક્કડે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સીટી બી. ડીવીઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટેની દોડધામ શરૂ કરી છે.

 પોલીસ ની તપાસ માં સીસીટીવી કેમેરા મા બે થી ત્રણ તસ્કરોની અવરજવર દેખાઈ હતી. તબીબના રહેણાંક મકાનની અંદર પણ સીસીટીવી કેમેરા હોવાથી તેનું ડી.વી.આર. પોલીસે તપાસના કામ માટે કબજે કર્યું છે, ઉપરાંત રહેણાંક મકાન ની આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનું શરૂ કર્યું છે.

 તબીબ અને તેમના પત્ની જામનગરના રહેણાંક મકાનને તાળું મારીને અમદાવાદ પોતાની ગાયનેક હોસ્પિટલ ના કામ માટે ગયા હતા, જે દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી લીધું હતું. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.