• ગ્રામજનોને ગ્રામ વિસ્તારમાં જ તત્કાલ સારવારની સુવિધા
  • ગ્રામ્યવિસ્તારમાં ૩૯ કોવિડ કેર સેન્ટર કાર્યરત
  • ૬૪૫ બેડની વ્યવસ્થા, ઓક્સિજન સુવિધાથી સજ્જ ૧૬૦ બેડ
  • સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સઘન સારવાર થકી ૪૫૦થી વધુ ગ્રામજનોએ આપી કોરોનાને માત


જામનગર તા. ૦૪ મે, જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. મહામારીના આ બીજા તબકકામાં જામનગર શહેર સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણનો વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે. ત્યારે ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત કરવા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે. ગ્રામજનોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત ૩૦ કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર વહિવટી તંત્ર દ્વારા ૧૩૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ મહામારીને નાથવા રાત-દિવસ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માળખાકિય સુવિધાઓમાં સુધારો અને ઉપલબ્ધ સંસાધનોના સુઆયોજીત ઉપયોગ થકી મહત્તમ દર્દીઓને સઘન સારવાર મળે તે માટે વહિવટી તંત્ર કટીબદ્ધ છે. હાલની સ્થિતિએ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ એવા ઓક્સિજન સિલિન્ડર્સના સુઆયોજીત ઉપયોગ થકી નવ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૨ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર આપવામાં આવી રહી છે.

કોરોના વાયરસ સંક્રમણની આ બીજી લહેરમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, સાથે જ નવા સ્ટ્રેનથી પ્રભાવિત દર્દીઓના ફેફસાં પર ખુબ ઝડપથી અસર થઈ રહી છે ત્યારે આવા દર્દીઓને પોતાના જ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સારવાર કેંદ્રો ખાતે ઓક્સિજન સાથેની સારવાર તેમજ આવશ્યક દવાઓ અને દર્દીઓને પ્રોન થેરપી પણ આપવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.પી.મણવરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર માટે જિલ્લાના જાંબુડા, ધ્રોલ, જામજોધપુર, જોડીયા, ધુતારપર, લાલપુર, કાલાવડ, સિક્કા અને ડબ્બાસંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૧૩૦ ઓક્સિજન સિલિન્ડર્સ ફાળવવામાં આવ્યા છે. આ નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ ૧૬૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૧૦૦ ઓક્સિજનની સુવિધાથી સજ્જ બેડ છે. હાલ સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી સઘન સારવાર મેળવી ૪૫૦થી વધુ ગ્રામજનોએ કોરોનાને માત આપી છે અને સરેરાશ ૧૦૦ જેટલા દર્દીઓ સારવાર મેળવી રહયા છે.   

ગ્રામ્ય વિસ્તારમાં કોવીડ-૧૯ના સંક્રમિત દર્દીઓમાં વધારો જણાતા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ૩૦ CCC(કોવિડ કેર સેન્ટર) કાર્યરત કરવામાં આવેલ છે તેમજ ૨૮ જેટલા ગામોમાં સમાજવાડી અથવા તો ગામની શાળા ખાતે કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થાનું કરવામાં આવેલ છે. આમ, ઓક્સિજન સ્પોટ સાથેના ૧૬૦ બેડ સહિત કુલ (ઓક્સિજન અને ઓક્સિજન વગરના) ૬૪૫ બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, વધુ આવશ્યકતા અનુસાર બેડ વધારવામાં આવશે. ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત બનાવવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓનું નિર્માણ કરી ગ્રામજનોની સેવા કરવામાં આવી રહી છે.