• પોતાના ઉપર કરજ વધી ગયું હોવાથી પોતાની દુકાનમાં જ ગળાફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

 જામનગર તા ૯, જામનગરમાં સ્વામિનારાયણ પાર્ક વિસ્તારમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા એક વેપારીએ ગઈકાલે પોતાની દુકાનમાં જ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી દઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. પોતાના ઉપર કર્જ વધી ગયું હોવાથી આર્થિક ભીંસના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે સમગ્ર મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સ્વામિનારાયણ પાર્ક શેરી નંબર -૫ મા રહેતા અને તિરૂપતિ પાર્ક વિસ્તારમાં એસ.એ. ટ્રેડર્સ નામની અનાજ હરિયાણા તથા છૂટક ચીજવસ્તુઓની દુકાન ચલાવતા સુરેશભાઈ કાન્તિલાલ લશ્કરી નામના વેપારીએ ગઈકાલે પોતાની દુકાનમાં જ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે અરેરાટી ફેલાઇ છે.

 આ બનાવ અંગે મૃતકના પુત્ર કેતનભાઇ સુરેશભાઈ લશ્કરી એ પોલીસને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતકના પુત્ર કેતનભાઇ એ જણાવ્યું હતું કે તેના પિતા સુરેશભાઇ છેલ્લા કેટલાક સમયથી કર્જ માં ડૂબી ગયા હતા. અને આર્થિક સંકળામણ ભોગવી રહ્યા હતા. જેને લઇને પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જણાવ્યું હતું. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.