જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.07 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં કોવિડ તપાસ માટે RTPCR રિપોર્ટ બહાર મોકલવા પડતા હોવાથી ત્રણ ચાર દિવસે આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતી હોય જે મુશ્કેલીના નિવારણ માટે જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલએ 15 દિવસ પહેલા સરકારમાં રજુઆત કરી હતી જે અનુસંધાને રાજ્ય સરકારમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત સરકારના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમને રજુઆત કરતા તાત્કાલિક ઘટતુ કરવા રાજ્યના આરોગ્ય વિભાગમાં સૂચના આપવામાં આવતા રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીનાએ મંગળવાર સુધીમાં ખંભાળીયામાં RT-PCR કોવિડ રિપોર્ટ લેબ શરૂ થઈ જશે તેવી બાંહેધરીજીલ્લા ભાજપા પ્રમુખને આપવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પણ આ અંગે બે દિવસ પહેલા રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આગામી તારીખ 12 સુધીમાં જીલ્લામાં RT-PCR લેબ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી અન્યથા કલેકટર કચેરીએ ઉપવાસ પર બેસવાનું જણાવાયું હતું.


આમ જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલની રજૂઆત અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા અપાયેલ ચીમકીથી ખંભાળીયામાં લેબ શરૂ થઇ જશે.