જામનગર મોર્નિંગ - સુરત,તા.27 : ગોપાલ ઈટાલીયાની આગેવાની હેઠળ ગુજરાતમાં 6-7 મહિનાથી સક્રિય થયેલ આમ આદમી પાર્ટી અભૂતપૂર્વ રીતે આગળ વધી રહી છે. ટૂંકા ગાળામાં નવી પાર્ટીએ ખુબ વિસ્તાર વધાર્યો છે.


સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સુરતમાં પાલિકામાં આપના 27 જેટલાં કોર્પોરેટર ચૂંટાયા બાદ આપને ગુજરાતમાં નવી આશા જાગી. જે બાદના ટૂંકા સમયગાળામાં પાર્ટી ખુબ સક્રિય થઇ અને દિલ્હીના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં સક્રિય થવા લાગ્યા. હમણાં થોડા દિવસો પહેલા જ ગુજરાતના ખ્યાતનામ એન્કર અને વીટીવી ગુજરાતીના તંત્રી ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ ગુજરાત અને સુરતના અગ્રણી ઉદ્યોગપતિ સેવાના ભેખધારી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા. મહેશ સવાણીએ 4000 જેટલી માતા - પિતા વિનાની નિરાધાર દીકરીઓના લગ્ન કરાવી ને પિતાની છત્રછાંયા આપી છે.


મહેશ સવાણીએ આપમાં જોડાતી વેળાએ જણાવ્યું હતું કે હું સેવા કરવા વારો માણસ છું. જે સેવા કરે એની સાથે રહુ છું મને લાગે છે કે આમ આદમી પાર્ટી સારા કામો કરી રહી છે એટલે એમાં જોડાયો છું. સાથે જ હજુ અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ સામાજીક આગેવાનો આપમાં જોડાઈ શકે છે. પાર્ટી આગામી વિધાનસભાની પૂર જોશમાં તૈયારી કરી રહી છે.