• જામનગર કલેકટર તરીકે ડૉ.સૌરભ સિંઘની નિમણુક, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે વિજય કુમાર ખરાડીની નિમણુક અને દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે મુકેશ કુમાર પંડ્યાની નિમણુક કરાઈ છે.

જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.૧૯ : ગુજરાતમાં IAS અધિકારીની બદલીઓ માટે ગત વરસથી તૈયારીઓ શરુ કરાઈ હતી. પણ કોવીડ - ૧૯ના રોગચાળાના કારણે મુલતવી રખાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પૂર્ણ થતા અને કોરોના કેશમાં આંશિક ઘટાડો નોંધાતા. વહીવટીતંત્રએ બદલી માટેની તૈયારીઓ શરુ કરી હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં ૨૬ જેટલા સીનીયર કેડરના અધિકારીઓની બદલી કરાઈ હતી. તેમજ એક મહીના અગાઉ પણ ૯ જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ હતી. જયારે હાલમાં ૭૭ જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે. આ બદલીમાં મોટા ભાગે જીલ્લા કલેકટર મહાનગરપાલિકા કમિશ્નરોનો સમાવેશ થાય છે.

જામનગર કલેકટર રવિ શંકરની બદલી શહેરી વિકાસ અને શહેરી ગૃહ બોર્ડમાં કરાઈ છે. જામનગર કલેકટર તરીકે ડૉ.સૌરભ સિંઘની નિમણુક કરાઈ છે. જયારે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે વિજય કુમાર ખરાડીની નિમણુક કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર ડૉ.નરેન્દ્ર કુમાર મીણાની બદલી અરવલ્લી - મોડાસા કલેકટર તરીકે કરાઈ છે. દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે મુકેશ કુમાર પંડ્યાની નિમણુક કરાઈ છે.

મળતી માહિતી મુજબ આગામી સમયમાં હજુ જીલ્લા વિકાસ અધિકારીઓના મોટા પાયે બદલીઓના રાઉન્ડ આવશે. જે બાદ વહીવટી તંત્રમાં અધિકારી ગણનો સમૂળગો ફેરફાર થઇ જશે. આગામી વર્ષે આવનાર વિધાનસભા ચુંટણીમાં ક્યાય કચાસ ના રહે તે માટે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર તમામ પાસાઓનો વિચાર - વિમર્શ કરીને એક પછી એક નિર્ણય કરી રહી છે.