જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.09 : ગુજરાત સરકાર હસ્તકની જેટકો કંપની દ્વારા કુવાડીયાથી ભાડથર સુધી 220 કે.વી. હેવી વીજ લાઈન પસાર કરવા માટે મોટા મોટા પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ વિશાળ વીજ પોલ ઉભા કરવા તથા તેમાં વીજ પ્રવાહ માટેના વાયરો બાંધતા સમયે તથા આવી કોઈ પણ ટેક્નિકલ કામગીરી કરતા માણસોએ સરકાર દ્વારા નિયત કરાયેલ સેફટી નિયમોનું પાલન કરવાનું હોય છે.

જયારે આ વીજ પોલ ઉભા કરતા માણસોએ સેફટી બેલ્ટ, સેફટી હેલ્મેટ બુટ જેવી કોઈ વસ્તુનો ઉપયોગ કરતા ના હોય અને સેફટીના નિયમોનું સતત ઉલ્લંઘન કરતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને કોઈ મોટી જાનહાની થાય આજુબાજુના ખેડૂતો કે રહીશોને આવી સેફટીના અભાવે નુકશાન જાય નહી તે હેતુથી કલ્યાણપુર તાલુકાના ઘુમથર ગામના અરજદાર નીંદ્રેશ માંડણભાઈ ભોચીયા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરવા ટકોર કરવા રજૂઆત કરાઈ છે તેમજ સેફટીવિના કામકરતા માણસોના વિડિઓ પુરાવા રજુ કર્યા છે.