• કાર્યપાલક ઈજનેર અને સર્કલ કચેરીને લાલિયાવાડીની જાણ છતાં પગલાં ભરવામાં ઢીલાસ !

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.08 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં રાજ્ય સરકારના સ્ટેટ હસ્તકની સિંચાઈ ઓફિસ તાલુકા સેવા સદનમાં આવેલ છે. આ સિંચાઈ કચેરીમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા જયેશ જોષી દ્વારા પોતાના ઘરની પેઢી હોય તેમ જો મન થાય અને મજા આવે તો ઓફિસ આવવાનું બાકી રજા, ના કોઈ પૂછવા વાળું ના કોઈ કહેવા વાળું જેવો ઘાટ જો ઉપલા અધિકારી ફોન કરી પૂછે તો કહેવાનું કે ઓફિસ જ છું. એમ છતાં મન ના માને તો મોબાઈલ બંધ કરી દેવાનો પણ ચિંતા નહી કરવાની જેવો ઘાટ રચી સરકારી કચેરી જાણે ઘરની ધોરાજી હોય તેમ ચલાવી રહ્યા હોવાનો સુર ઉઠ્યો છે. નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી આવે છે કે કેમ ? તે જોવા અમારા રિપોર્ટર સતત ત્રણ દિવસ સુધી ગયા પણ દરરોજ તેની ચેમ્બર બહાર તાળું લટકતું દેખાયું.


ભાણવડની સિંચાઈ વિભાગની કચેરીના કાર્યક્ષેત્રમાં અનેક તળાવો આવે છે. સિંચાઈના અલગ અલગ પ્રશ્નએ ખેડૂતો કચેરીએ આવે તો નાયબ કાર્યપાલક હાજર હોતા નથી. આ બાબતે ડિવિઝન કચેરીમાં તપાસ કરતા ત્યાંથી પણ જાણવા મળ્યું કે તે અધિકારી વિરૂધ્ધ અનેક રજૂઆત આવેલ છે તેમની સામે પગલાં ભરવા સર્કલ કચેરી સુધી જાણ કરી છે.


આ અંગે ત્યાં સ્થાનિક ખેડૂતો અને જાણકાર વ્યક્તિ સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ અધિકારી મહિનામાં 1-2 વખત જ કચેરી આવે છે અને આવે ત્યારે પણ ઈચ્છા હોય તો કામ કરે નહીંતર ટેબલ પર સુતા સુતા આરામ ફરમાવે છે.
દોઢ લાખ જેવો માતબર પગાર છતાં ફરજમાં બેદરકાર !

નાયબ કાર્યપાલક ઈજનેર જયેશ જોશીનો મહિને દોઢ લાખ જેટલો પગાર સરકાર તેની જરૂરી કામગીરી કરવા માટે ચૂકવે છે છતાં ફરજમાં બેદરકારી દાખવી મહિને 1-2 વખત જ દર્શન થાય છે. તે પણ અધિકારીની ઈચ્છા પર નિર્ભર આવવું કે નહી અને આવ્યા બાદ પણ કામ કરવું હોય તો કરે બાકી મોબાઈલમાં વ્યસ્ત !


નાયબ કાર્યપાલક ઈજનેર જોષી સામે ફરિયાદો આવી છે પગલાં ભરાશે : સિંઘ, કાર્યપાલક ઈજનેર

નાયબ કાર્યપાલક ઈજનેર જયેશ જોષી ફરજમાં બેદરકાર હોય કચેરીમાં અવાર નવાર સતત ગેર હાજર રહેતા હોવાની ફરિયાદ મારાં સુધી આવી છે અને આ બાબતે સર્કલ કચેરી રાજકોટ સુધી જાણ કરી છે આગામી સમયમાં તેમની સામે કાયદેસરના પગલાં ભરાશે તેમ કાર્યપાલક ઈજનેર સિંઘએ જણાવ્યું હતું.