• ચીમની અંદર ઉતરી અને માણસો કામ કરી શકે તે માટેનું હંગામી ઉભું કરાયેલ માળખું ધડાકા ભેર તૂટતાં અંદર કામ કરી રહેલ માણસો પૈકીના 3થી વધારેના મૃત્યુ તથા 10થી વધારે લોકો ઘવાયા અને દટાયા હોવાની અંગત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. 

જામનગર મોર્નિંગ - પોરબંદર તા.12 : પોરબંદર નજીકનાં રાણાવાવ - આદિત્યણા વિસ્તારમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની હેઠળની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં વિશાળકાય ચીમનીમાં રીપેરીંગ કામ દરમિયાન અકસ્માતે મોટી દુર્ઘટના સર્જાઈ છે.

હાથી સિમેન્ટ કંપનીમાં મોટી ચીમનીમાં અંદર ગાળામાં કલર કામ અને ત્રાભા - ટેકા મારવાનું રીપેરીંગ કામ હાલતુ હતું. ચીમની અંદર ઉતરી અને માણસો કામ કરી શકે તે માટેનું હંગામી ઉભું કરાયેલ માળખું ધડાકા ભેર તૂટતાં અંદર કામ કરી રહેલ માણસો પૈકીના 3થી વધારેના મૃત્યુ તથા 10થી વધારે લોકો ઘવાયા અને દટાયા હોવાની અંગત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ દુર્ઘટના બપોરના સમયે બની હોય પહેલા કંપની પોતાની રીતે મેનેજ કરવા મથતી હતી પણ અકસ્માત મોટો હોવાથી કલાક બાદ બનાવ ચોરે ને ચોવટે વહેતો થતા કંપનીએ વાતને સાર્વજનિક કરી હતી. દુર્ઘટનાને પગલે રાણાવાવ પોલીસ, ફાયર વિભાગ દ્વારા બચાવ કાર્યમાં મદદરૂપ તથા ડીવાયએસપી તથા જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાએ પણ રૂબરૂ આવીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું

ચીમનીમાં ફસાયેલાં લોકોને કાઢવા માટે જરૂરી મોટી ક્રેઈન કંપની કે રાણાવાવમાં ના હોવાથી બહારથી મંગાવવી પડી હતી. કંપનીએ પત્રકારો માટે પ્રવેશબંધી કરી હોવાથી વધુ વિગત મેળવી શકાય નથી પણ રાત્રીની પાળી પણ બંધ રાખી હોવાથી દુર્ઘટના દેખાડાઈ એનાથી ખુબ મોટી હોવાનું અનુમાન લગવાઈ રહ્યું છે. કંપની દ્વારા સેફટી નિયમોનું પાલન કરાઈ રહ્યું હતું કે કેમ એ તપાસ થવી તથા ભોગ બનેલ પરિવારને ન્યાય મળવો જરૂરી છે.