અન્ય જગ્યાએ દરોડા કરી જુગારીને લોકઅપના દર્શન કરાવ્યા: દ્વારકામાંથી વર્લીપ્રેમી ઝડપાયો    

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દેવભૂમિ દ્વારકા એલસીબીએ ભાણવડના રાણપર તેમજ ખંભાળિયાના કાકાભાઈ સિંહણ ગામમાં બે ખેતરમાં જામેલા જુગાર પર દરોડો પાડયો હતો. જ્યારે વાડીનાર, સલાયાના ચુડેશ્વર તેમજ ખંભાળિયાના શક્તિ નગરમાંથી દરોડા પાડી જુગારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે દ્વારકામાંથી એક વર્લીપ્રેમીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપરમાં એક ખેતર સ્થિત મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી રવિવારે રાત્રે દેવભૂમિ દ્વારકા એલસીબીએ ધીરૃભાઈ છગનભાઈ જોષીના ખેતરમાં દરોડો પાડયો હતો. ત્યાંથી નાલ ઉઘરાવી જુગાર રમાડતા ધીરૂભાઈ જોષી, જુગાર રમતાં પ્રવીણભાઈ મગનભાઈ સોનગરા, નાથાભાઈ મૂળુભાઈ કોડિયાતર, રામાભાઈ મોરી ઝડપાઈ ગયા હતા. જ્યારે ગડુ ગામના પરબતભાઈ મેર, નાથાભાઈ સગર નામના બે શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી રૂ. 45000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે દ્વારકા એલસીબીએ ખંભાળિયાના કાકાભાઈ સિંહણ ગામમાં નાથાભાઈ માલદેભાઈ કેશવારાના ખેતરમાં ભાગીયા તરીકે રહેતાં લખમણભાઈ અરજણભાઈ ગોરાણીયા જુગાર રમાડતા હોવાની બાતમી પરથી દરોડો પાડતાં ત્યાંથી લખમણભાઈ તેમજ દેવશીભાઈ દેવરખીભાઈ આહિર, રાજશી જીવાભાઈ ચાવડા, દેવાયત વિક્રમભાઈ ચાવડા, નારણભાઈ નાથાભાઈ ચાવડા, જેશાભાઈ લાખાભાઈ ચાવડા નામના શખ્સો પકડાઈ ગયા હતાં. પટમાંથી રૂ. ૧,૨૦,૨૩૦ રોકડા, છ મોબાઈલ, ત્રણ વાહન મળી કુલ રૂ. ૨,૦૪,૭૩૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ઉપરાંત ખંભાળિયાના વાડીનારમાં રવિવારની રાત્રીએ પોલીસે દરોડો પાડતાં હરેશ કારાભાઈ પીંગળસુર, સુરેશ આલાભાઈ માતંગ, દિનેશ તેજસીભાઈ જોડ, હમીર મેઘાભાઈ પારીયા નામના ચાર શખ્સ જુગાર રમતાં મળી આવ્યા હતાં. રૂપિયા ૨૩૬૦ની રોકડ કબ્જે કરાઈ છે.

તેમજ સલાયા નજીકના ચુડેશ્વર ગામ પાસેથી રવિવારે સાંજે જુગાર રમતાં ગોવાભાઈ ખીમાભાઈ ચાવડા, કનાભાઈ ખીમાભાઈ આહિર, જીવાભાઈ પોલાભાઈ ચાવડા, રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ રણજીતસિંહ જાડેજા નામના પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાઈ ગયા હતાં. પટમાંથી રૂ. ૧૮,૨૦૦ રોકડા કબ્જે થયા હતાં.

ખંભાળિયાના શક્તિ નગરમાં શનિવારે રાત્રે જુગાર રમતાં મુકેશ રામાભાઈ રાજગર, રમેશ નાથાભાઈ લાકડીયા, સંજય સોમાભાઈ સોલંકી પકડાઈ ગયા હતાં. રૂ. ૨૮૧૦ રોકડા કબ્જે કરી પોલીસે ગંજીપાના ઝબ્બે લીધાં છે.

દ્વારકા શહેરમાં ગોમતીઘાટ પાસે રવિવારે રાત્રે જાહેરમાં વર્લીના આંકડા લેતા નાગશીભા બુધાભા સુમણીયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.