જામનગર મોર્નિંગ - જામનગર 

ધ્રોલના ધ્રાંગડા ગામ પાસેથી ગઈકાલે સાંજે એક બાઈકમાં જતી ધ્રોલની યુવતીનું ચાલુ વાહને ઈકો મોટરમાં અપહરણ કરી લેવાયું હતું. જેની પોલીસને જાણ થયા પછી તાત્કાલિક કરાયેલી નાકાબંધીમાં જોડિયાના પીઠડ ગામ પાસેથી ઉપરોકત મોટર એલસીબીએ પકડી પાડી હતી. અપહરણ કરનાર મોરબી જિલ્લાના કાયદાથી સંઘર્ષીત કિશોર સહિત ચાર શખ્સ પકડાઈ ગયા હતા અને એકનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી. 


મળતી વિગત મુજબ ધ્રોલ શહેરમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતાંં એક યુવાન ગઈકાલે સાંજે પોતાના માસીની દીકરીને મોટર સાયકલમાં બેસાડી ધાંગડા ગામના પાટિયા પાસેથી જતા હતા ત્યારે અચાનક જ પાછળથી ધસી આવેલી ગ્રે કલરની અને જીજે-૩૬-આર-૯૧૪૦ નંબરની ઈકો મોટરમાં ત્રણ શખ્સ અને કાયદાથી સંઘર્ષિત એક કિશોર દ્વારા તે યુવાનના બાઈકને આંતરવામાં આવ્યું હતું. ત્યારપછી પાછળ બેસેલી યુવતીનો હાથ પકડી તેણીને મોટરમાં ખેંચી લેવામાં આવી હતી. આ વેળાએ થયેલી ખેંચતાણમાં બાઈક ચલાવી રહેલા તે યુવતીના માસીના દીકરાને પગમાં ઈજા થઈ હતી. ત્યારપછી મોટર પુરપાટ ઝડપે નાસી છૂટી હતી.


પોતાની માસીયાઈ બહેનનું આવી રીતે અપહરણ કરાતાં તે યુવાને તરત જ પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનની સૂચનાથી પોલીસે નાકાબંધી શરૂ કરી હતી અને ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

પોલીસની જુદી-જુદી ટીમોની રચના કરી તપાસ આગળ ધપાવવા ડીવાયએસપી દેસાઈના આદેશના પગલે એલસીબી પીઆઈ એસ. એસ. નિનામાની રાહબરી હેઠળ એલસીબી પીએસઆઈ કે. કે. ગોહિલ તથા પીએસઆઈ બી. એમ. દેવમુરારીની ટૂકડીઓ તપાસમાં જોતરાઈ હતી. બાતમીદારો તરફથી મળેલી વિગતો તથા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે દરમ્યાન એલસીબીના ભગીરથસિંહ તથા યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જોડિયા તાલુકાના પીઠડ ગામ પાસેથી ઉપરોકત મોટર ઝડપાઈ ગઈ હતી. જેમાં જઈ રહેલા મોરબી જિલ્લાના વાવડી ગામના કિરીટ દાનાભાઈ  ગલચર, મોરબીના નવા જાંબુડીયા ગામના પ્રાણજીવન નરભેરામ વડસોલા ઉર્ફે ગજો તથા મોરબીના હરિપર કેરાળા ગામના મિલન વાલાભાઈ ટોટા અને કાયદાથી સંઘર્ષિત કિશોર મળી આવ્યા હતાં. ચારેયને અટકાયતમાં લઈ પૂછપરછ કરાતાં મોરબીના નાની વાવડીના હસમુખ લખમણભાઈ કાનાણીનું નામ ખુલ્યું હતું. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નિનામા, પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજીયા, બી.એમ. દેવમુરારી, એલસીબી સ્ટાફના મંડાણભાઈ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઈ ગંધા, હરદીપભાઈ ધાધલ, દિલીપભાઈ તલાવડીયા, ફિરોજભાઈ દલ, વનરાજભાઈ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, રઘુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ભરતભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, હરપાલસિંહ સોઢા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.