જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી બોન્ડેડ ડોક્ટરોની હડતાળમાં ગઇકાલે સવારે ડોક્ટરોએ સરકાર ટોપી પહેરાવે છે તેવો કટાક્ષ કરવા કાગળની ટોપીઓ પહેરીને ધરણા યોજ્યા હતાં. બાદમાં સાંજે ઇન્ડિયન મેડીકલ એસોસિએશનની ટીમે ધરણા યોજી રહેલાં ડોક્ટરોની મુલાકાત લઇને તેઓને ટેકો જાહેર કર્યો હતો.

તાજેતરમાં એમ.ડી. અને એમ.એસ. થયેલા ડોક્ટરોએ કોરોના કાળમાં ફરજ બજાવી હતી. ત્યારે તેઓને સરકાર દ્વારા તેઓ સાથે કરવામાં આવતા બોન્ડના કરારમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવવા જવા, બોન્ડની રકમ રૂા.10 લાખ રાખવા જેવી બાબતે રાહતોનું વચન આપ્યું હતું.

બાદમાં સરકાર દ્વારા તે વચન પુરૂં કરવામાં આવે તે મુદ્દે રાજ્યભરની માફક જામનગરની મેડીકલ કોલેજના પટાંગણમાં છેલ્લા 8 દિવસથી બોન્ડેડ ડોક્ટરો દ્વારા હડતાલ પાડીને ધરણાં યોજવામાં આવી રહ્યાં છે. ગઇકાલે સવારે 10 વાગ્યે ડોક્ટરોએ સરકાર ટોપી પહેરાવે છે. તેવા કટાક્ષ સાથે કાગળની ટોપીઓ પહેરીને સુત્રોચ્ચાર સાથે ધરણા યોજવામાં આવ્યા હતાં.

બાદમાં સાંજે ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રેસીડેન્ટ ડો.પ્રશાંત તન્ના, ડો.નિલેશ ગઢવી, ડો.આર.એસ.વિરાણી, ડો.હિતાર્થ રાજાએ હડતાલ કરી રહેલાં ડોક્ટરોની મેડીકલ કોલેજ ખાતે મુલાકાત લઇને આઇએમએ સંસ્થાનો ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આઇએમએના પ્રેસીડેન્ટ ડો.તન્ના દ્વારા ડોક્ટરોના પ્રશ્ર્નનો વહેલો નિવેડો આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.