• દિવાળીના તહેવારો-ઉત્સવોમાં સકારાત્મકતાની દીપ જ્યોત ઝળહળાવીએ

  • આપણી શક્તિ-ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’નો સંકલ્પ સાકાર કરીએ

  • પ્રત્યેક ગુજરાતી માટે દિપાવલી અને નૂતનવર્ષ પ્રકાશ પર્વ સાથે વિકાસ પર્વ બને

જામનગર મોર્નિંગ - ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે.
 મુખ્યમંત્રીશ્રીએ દિપાવલી શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે.

 તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે. 
 મુખ્યમંત્રીશ્રીએ વિક્રમ સંવત ર૦૭૮નું નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે.

 શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીયે.
 મુખ્યમંત્રીશ્રીએ સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત ર૦૭૮ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતીઓ સામાજિક, આર્થિક, વાણિજ્યીક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા દર્શાવી છે