સાત મકાનોમાં તસ્કરો ત્રાટક્યા: રામેશ્વરનગર, વિનાયક પાર્ક, સ્વામીનારાયણનગર અને નિર્મળનગરમાં ત્રાટકયા ચોરી: બે મકાન અને એક દુકાનમાં હાથફેરો : અન્ય સ્થળે પ્રયાસ : સીસી ફુટેજમાં કાર કેદ: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં શિયાળાની શરૂઆત થતા જ તસ્કરો ફરી સક્રીય બન્યા છે, પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તાજેતરની ઘરફોડ ચોરી, દુકાન ચોરી ઉપરાંત ગત રાત્રીના શહેરના હાલાર હાઉસ નજીક સ્વામીનારાયણનગર અને રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નિર્મળનગર, વિનાયક પાર્કમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, પોલીસને જાણ થતા પોલીસ ટુકડીઓ તપાસ માટે દોડી ગઇ હતી, બે મકાન અને એક દુકાનમાંથી હાથફેરો કરાયો છે અને અન્ય મકાનોમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે, વિધિવત ફરીયાદમાં કુલ કેટલો મુદામાલ ગયો એ આંકડો બહાર આવશે, હાલ ચોરીના બનાવોથી નાગરીકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે સીસી ફુટેજ ચેક કરતા સ્વીટ કાર કેદ થઇ છે અને તપાસ લાલપુર ચોકડીથી ખંભાળિયા બાયપાસ તરફ દેખાતા લંબાવવામાં આવી છે, એક પૂર્વ પોલીસના મકાનને પણ નીશાન બનાવવામાં આવ્યું છે.


મળતી વિગત મુજબ રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નિર્મળનગરમાં પણ રાત્રીના સુમારે મકાન, દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હોવાનું બહાર આવતા સીટી-બી પોલીસની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી, પ્રાથમિક તપાસ કરી હતી, એક નિવૃત પોલીસકર્મીનું મકાન અને અન્ય એક મકાનમાં નિસાચરો ત્રાટકયા હોવાનું જાણવા મળ્યું છે તેમજ એક ધોબીની દુકાનમાંથી અંદાજે ૧૨૦૦ની રોકડની ચોરી થઇ છે.


અન્ય મકાનમાં માલિક બહારગામ હોવાથી કેટલી ચોરી થઇ એ જાણી શકાયું નથી, પોલીસ દ્વારા બંને વિસ્તારોના ૬ સ્થળની પ્રાથમિક વિગતો જાણવામાં આવી હતી ઉપરાંત સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે. ચોરી અને ચોરીના પ્રયાસના બનાવથી આ વિસ્તારોમાં રહેતા નાગરીકોમાં રોષની લાગણી ફેલાઇ હતી, તસ્કરોએ પોલીસની ટાઢ ઉડાડી હોય તેમ પાંચ મકાન અને દુકાનને નિશાન બનાવ્યા છે. તસ્કરો વાહનમાં આવ્યા હોવાનું પ્રાથમિક કાર્યવાહીમાં જાણમાં આવ્યું છે.


આ ઉપરાંત જામનગરના હાલાર હાઉસ પાસે આવેલા સ્વામીનારાયણનગરમાં ત્રણ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં ગેરેજ પાસે આવેલા મકાનમાંથી સોનાનો ચેન, સેટ અને અંદાજે ૬૦ હજાર જેવી રોકડની ચોરી થયાનું જાણવા મળ્યું છે, જયારે વિપુલભાઇનું મકાન ખાલી હોય આથી પ્રયાસ થયો છે, જયારે જયેશભાઇના મકાનનો નકુચો તોડવામાં આવ્યો છે, જો કે કોઇ વસ્તુ ગઇ નથી. 


તમામ બનાવો અંગે પોલીસ વિધિવત પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી અને ક્યાં સ્થળે કેટલો મુદામાલ ગયો તે આંકડો આંકવામાં આવી રહ્યો છે.