ટેનામેન્ટ માલિક સામે ફરિયાદ નોંધાવાઈ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની સત્યમ્ કોલોની પાસે આવેલા એક ટેનામેન્ટમાં કરી લેવાયેલા ગેરકાયદે બાંધકામને તોડવા માટે બુધવારે મહાનગર પાલિકાની ટૂકડી પહોંચતા ટેનામેન્ટના માલિકે ગાળો ભાંડી કાર્યવાહી કરવા ન દેતા તેની સામે ફરજ રૂકાવટ કરવા અંગે ફરીયાદ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ જામનગરના સત્યમ્ કોલોની નજીક અન્ડર બ્રિજ પાસે પાવન ટેનામેન્ટના પ્લોટ નંબર ૧૩/૫માં કેટલુંક બાંધકામ ગેરકાયદેસરનું હોવાની રજૂઆતો પછી તે સ્થળે હાઈકોર્ટના હુકમ મુજબ ડીમોલીશન કરવા માટે બુધવારે બપોરે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટૂકડીના અધિકારી નીતિન આર. દીક્ષિતની રાહબરી હેઠળ ત્યાં પહોંચી હતી. આ ટૂકડીએ તે રહેણાંકમાં ડીમોલીશન શરૂ કરવા માટે તજવીજ કરતાં તે ટેનામેન્ટના માલિક વિવેક રમેશભાઈ ટાંકે અડચણ શરૂ કરી હતી. તેઓને કાયદેસરની કાર્યવાહી કરવા દેવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમ છતાં આ આસામીએ કામગીરી નહીં કરવા દઈ ટૂકડી સાથે બોલાચાલી કર્યા પછી એન. આર. દીક્ષિતને ગાળો ભાંડી જોઈ લેવાની ધમકી આપતાં તેની સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી છે. પોલીસે એન. આર. દીક્ષિતની રાવ પરથી આઈપીસી ૧૮૬, ૧૮૯, ૨૯૪(ખ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.