ગોકુલનગરમાંથી 45 ચપટા સાથે બે શખ્સ ઝડપાયા: દરેડમાંથી એક નંગ સાથે શખ્સ ઝડપાયો  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાંથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની 10 નંગ બોટલ સાથે તેમજ ગોકુલનગર રડાર રોડ પરથી બે શખ્સ 45 ચપટા સાથે તેમજ જીઆઈડીસીમાંથી એક શખ્સ 1 નંગ સાથે ઝડપાઈ જતા કાર્યવાહી હાથ ધરી હતી તેમજ એક શખ્સનું નામ ખુલતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી . 

મળતી વિગત મુજબ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ખોડીયાર પ્રસંગ હોલ પાસે આવેલા શિવસાઈ પાર્કના બ્લોક નંબર બેમાં રહેતો હિતેષ ધીરુભાઈ ગણાત્રા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 10 નંગ બોટલ સાથે ઝડપાઈ જતા સીટી બી ડીવીઝન પોલીસે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે જામનગરના ગોકુલનગર રડાર રોડ પર શુક્રવારે રાત્રે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં ત્યાંથી પસાર થયેલા જીજે૧૦-ડીબી-૪૧૦ નંબરના એક્ટિવા સ્કૂટરને પોલીસે રોકાવી તેના ચાલક ગોકુલનગરની સોમનાથ સોસાયટીવાળા ભરત ધનાભાઈ રાઠોડ, અજયસિંહ દેવુભા જાડેજાને ઈંગ્લીશ દારૂના 45 નંગ ચપટા કિંમત રૂ. 14850 તેમજ બાઈક મળી રૂ. 39850ના મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા નિર્મલ ભાટી નામના શખ્સ પાસેથી આ જથ્થો મેળવ્યો હોય તેવું જણાવતા ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

ઉપરાંત જામનગરના દરેડ જીઆઈડીસી ફેઈઝ ૨માં વિશાલ ચોક પાસેથી શુક્રવાર રાત્રે જઈ રહેલા શાક બકાલાના ધંધાર્થી પ્રવીણ બચુભાઈ પરમારને ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે પકડાઈ જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.