હડમતીયા, ભોગાત, નાવદ્રા, સતાપર, લાંબા, ગાંધવી/હર્ષદ, ગાંગડી, ચાચલણા, સણોસરી, ટંકારીયા, પ્રેમસર, પાનેલી અને હરીપર ગામે જબરદસ્ત આવકાર

જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 82- દ્વારકા બેઠકના કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાએ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સાથે તેમના વિસ્તારમાં આવતાં હડમતીયા, ભોગાત, નાવદ્રા, સતાપર, લાંબા, ગાંધવી/હર્ષદ, ગાંગડી, ચાચલણા, સણોસરી, ટંકારીયા, પ્રેમસર, પાનેલી અને હરીપર ગામે સભાઓ ભરી એક-એક લોકોને વ્યક્તિગત મળી સઘન લોકસંપર્ક કરી કોંગ્રેસને મત આપવા અનુરોધ કર્યો હતો.

આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારેલા મુળુભાઈ કંડોરીયા આહિર સમાજ તથા દ્વારકા-જામનગર તમામ સમાજનો લોકપ્રિય ચહેરો છે. તેઓ વર્ષોથી દ્વારકા - જામનગરમાં પોતાના બિઝનેસ સાથે સંકળાયેલા હોવાથી વેપારી વર્ગમાં એક સ્વચ્છ અને સેવાભાવી અને આહિર સમાજના આગેવાનની પ્રતિષ્ઠા ધરાવે છે.

કોંગ્રેસના રાહુલજીના આઠ વચનો રજૂ કરી લોકોને 300 યુનિટ સુધી વીજળી મફત, દસ લાખ લોકોને રોજગારી, કરાર પ્રથા બંધ, ગેસનો બાટલો 500માં આપવા જેવી રાહતોની રજૂઆત કરી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. આ લોકસંપર્કમાં લોકોમાંથી પણ સ્વયંભૂ રીતે ભાજપના શાસનમાં ગેસના બાટલાના રૂ. 1100, તમામ વસ્તુઓમાં મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાઓના કારણે ઉગ્ર રોષ પ્રગટ થયો હતો અને આ વખતની ચૂંટણીમાં જાગૃત મતદારોએ ગુજરાતમાં સતા પરિવર્તનનો સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.

તેમજ મુળુભાઈ કંડોરીયાએ જણાવ્યું હતું કે સભાઓ ભરી દેખાવો નથી કરવો મારા ગામડાના એક એક માનવીને મળી તેમના પ્રશ્ન સાંભળવા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને હરાવવા સમગ્ર જનતાએ નિર્ણય કરી લીધો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.