જામનગર મોર્નિંગ - ગુજરાત 


 ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યાનો અહેવાલ મળી રહ્યો છે.

ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામુ આપ્યુ છે. તેઓએ ભાજપના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું છે. જયનારાયણ વ્યાસે થોડા દિવસ અગાઉ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી તેઓના ભાજપમાંથી રાજીનામાની અટકળો ચાલતી હતી.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે, ગઈકાલે જ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના સીએમ પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરવામાં આવ્યા છે, ત્યાર બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ન કરાતા નારાજ થઈને કોંગ્રેસમાં પાછા જોડાયા હતા.


ત્યાર બાદ મોડી રાત્રે સૂત્રો પાસેથી મળી રહેલા અહેવાલ પ્રમાણે, હવે ભાજપમાંથી જયનારાયણ જેવા કદાવર નેતાના રાજીનામાથી ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.વ્યાસના આ નિર્ણય બાદ રાજ્યના રાજકીય આલમમાં જાતજાતની અટકળોનું બજાર પણ ગરમ જોવા મળી રહ્યું છે.

પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ 2007થી 2012 સુધી ગુજરાત સરકારમાં મંત્રી હતા અને ભાજપ તેમની સાથે છેલ્લા કેટલાય સમયથી અંતર બનાવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે તેઓ કઇ પાર્ટીમાં જોડાય છે, કારણ કે થોડા દિવસો પહેલા તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા.