મુખ્યત્વે રાજપૂતોની વસ્તી ધરાવતા ગામમાં પરંપરાગત રીતે ચાલી આવતી મર્યાદાપ્રથાની તંત્ર દ્વારા અવગણના

જામનગર મોર્નિંગ - જામનગર


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું, ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું ગામ ધ્રાફા, જે બ્રિટિશ સમયમાં ધ્રાફા (થાણા - 24 ગામ) તરીકે જાણીતું હતું, અહીં ફક્ત સ્ત્રી મતદારો માટે મતદાન બુથ આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતની ચૂંટણીમાં આ બુથ કોઈપણ કારણ વિના કેન્સલ કરી નાખવામાં આવતાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.


ત્યારબાદ તંત્રએ ચીમકીની ગંભીરતા લીધી નહીં અને પહેલા તબક્કાના મતદાનમાં ધ્રાફા ગામમાં એક પણ મત પળ્યો ન હતો અને સમય પૂર્ણ થતાં મતદાન 0% થયું હતું. ઉલ્લેખનીય છે કે ધ્રાફામાં આઝાદી પછીની પહેલી ચૂંટણી વખતે કેન્દ્ર સરકાર દ્વારા બે અલગ - અલગ મતદાન બુથની ફાળવણી કરવામાં આવી હતી.

એક મહિલાઓ માટે અને એક પુરુષો માટે આનું મુખ્ય કારણ એ હતું કે આ રાજપૂતોની વસ્તીનું રાજાશાહી ગામ છે, અને હાલમાં પણ ખૂબ જ ઓઝલપ્રથા એટલે કે મર્યાદામાં માને છે. જેથી સ્ત્રીઓ નિ:સંકોચ મતદાન કરી શકે તે માટે અલગ જ મતદાન બુથ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ધ્રાફામાં અંદાજે 2000 જેટલા મતદારો છે.


હવે વાત એવી બની હતી કે આ ચૂંટણીમાં કોઈ મનસ્વી ચૂંટણી અધિકારીએ ગ્રામજનો કે સરપંચ કે ગામના કોઈ આગેવાનોને જાણ કર્યા વગર બુથને કેન્સલ કરી સ્ત્રીઓ અને પુરુષો માટે એક સામાન્ય બુથની જોગવાઈ ઉભી કરી દીધી હતી. જેનો સમસ્ત ગામ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં એક પણ મત ન કરી વિરોધ દર્શાવ્યો હતો.