જામનગર મોર્નિંગ - અમદાવાદ

ગુજરાતી સુગમસંગીતનું આકાશ જેમના યોગદાનથી ઉજળું છે તેવા કલાકારો આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ મુનશીની સંગીતયાત્રાના પચાસ વર્ષોની ઉજવણી કરતો કાર્યક્રમ ‘સૂર ત્રિવેણી’ પંડિત દિનદયાળ ઓડિટોરીયમમાં પ્રસ્તુત થયો. સૂરત્રિવેણી અભિવાદન સમિતિ અને પ્રદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે આરતી મુનશી અને શ્યામલ-સૌમિલની પાંચ દાયકાની સંગીત સફરને તેમની સાથે જોડાયેલા લોકોના ઈન્ટરવ્યુ એલઇડી પર દર્શાવી તેમના લોકપ્રિય ગીતોની પ્રસ્તુતિ ગુજરાત તેમજ મુંબઈના કલાકારોએ કરી હતી. હેત શાહ અને કબીર દૈયાએ ગઝલોના શેરનું પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં નવી પેઢીનાં પ્રતિભાસંપન્ન કલાકારો અમન લેખડિયા, અક્ષત પરીખ, નિશા ઉપાધ્યાય, કલ્યાણી કૌઠાળકર, ગાર્ગી વોરા, હિમાલી વ્યાસ નાયક, દિપાલી સોમૈયા દાતે, અપેક્ષા ભટ્ટ, ઉપજ્ઞા પંડ્યા, આલાપ દેસાઈ, પ્રહર વોરા અને નીવ કાનાણીએ પ્રસંગને અનુરૂપ વિવિધ ગીતોની આકર્ષક રજૂઆત કરી હતી. અને કાર્યક્રમનું સંગીત સંચાલન આલાપ દેસાઈ અને પ્રહર વોરાએ સુપેરે સંભાળ્યું હતું.


આ અવસરે આરતી મુનશી અને શ્યામલ-સૌમિલ મુનશીની સંગીત સફરની ઝાંખી કરાવતાં પુસ્તક ‘સૂર ત્રિવેણી'નું વિમોચન કરી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.


આ ઉજવણીના અવસરે પૂજ્ય ભુપેન્દ્રભાઈ પંડ્યાજી, શ્રી પુરુષોત્તમ રૂપાલા, ગૌરાંગ વ્યાસ, ભીખુદાન ગઢવી, આશિત દેસાઈ, હેમા દેસાઈ, વિભા દેસાઈ, હંસાબેન દવે, ટીકુ તલસાણીયા, મૌલિક કોટક, રતિલાલ બોરીસાગર, વિનોદ જોશી, હરિશ્ચન્દ્ર જોશી, તુષાર શુક્લ,હર્ષ બ્રહ્મભટ્ટ, ભાગ્યેશ જહા, આશિત શાહ, રાજેશ ભટ્ટ, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, અંકિત ત્રિવેદી, ત્રિલોક પરીખ, પી. કે. લહેરી, ડૉ. પંકજ શાહ, જતીન ત્રિવેદી, જીગર સોની અને પંકજ મશરૂવાલા ઉપરાંત શહેરના જુદા જુદા ક્ષેત્રના ગણમાન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને ભાવકો અને ચાહકોએ મનભરી ઉજવ્યો હતો.