મહિલા કર્મીઓએ સમગ્ર મતદાન મથકને જામનગરની પ્રખ્યાત બાંધણી વડે શણગારી લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી

જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે આજરોજ જામનગર જિલ્લામાં પ્રથમ ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના સર્વે નાગરિકો ઉત્સાહભેર જોડાઈ મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે ત્યારે મતદાન કરવા આવતાં મહિલા મતદારો માટે સખી બૂથની મહિલા કર્મીઓ ખરા અર્થમાં ‘સખી’ બની મતદાનની પ્રક્રિયા સમજાવી તેઓને મતદાનની ફરજમાં મદદરૂપ બની રહી છે.જામનગર શહેરના જે.સી.મહેતા વિદ્યાલય ખાતે આવેલ આવા જ એક સખી મથકને ત્યાં ફરજ પર રહેલ મહિલા કર્મીઓએ જામનગરની પ્રખ્યાત બાંધણી વડે શણગારી લોકશાહીના મહાપર્વની કંઈક વિશેષ પ્રકારે જ ઉજવણી કરી હતી.


જો મહિલાઓ જ મહિલાઓની માર્ગદર્શક અને સહાયક બને તો સામાજિક રીત-રિવાજો સાથે મતદાનની ફરજ અદા કર્યાનો સંતોષ પણ મેળવી શકાય. આ વિચાર સાથે વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં સંપૂર્ણ મહિલા સંચાલિત સખી બૂથ કાર્યરત કરાયા છે. જેમાં જામનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં કુલ 35 સખી બૂથ કાર્યરત છે. જ્યાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર સહિત સંપૂર્ણ સ્ટાફ મહિલાઓ છે. આ મહિલાઓ સતત ખડે પગે રહીને વધુમાં વધુ મતદાન થાય તે માટે સતત કાર્યરત છે.