અજાણ્યા વ્યક્તિઓ કોણ? કોર્ટ તપાસમાં બારે આવશે કે શું?


જામનગર મોર્નિંગ - જામનગર તા.13 : 

જામનગર શહેરમાં પોલીસની કનડગત અને ત્રાસ સામાન્ય નાગરિકો પર અવારનવાર ગુજારતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે કોર્ટમાં ઘણી ફરિયાદો ચાલે છે જેમાં પોલીસ શહેરના નાગરિકોને કાયદાથી પર જઈને અપહરણની જેમ ઉપાડી લાવે બેફામ મારમારીને મૂકી દેતા હોય છે ત્યારે જામનગર શહેરના લીમડા લેન વિસ્તારમાં રહેતા યોગરાજસિંહ ચુડાસમા નામના 24 વર્ષના યુવાનને બે વર્ષ પહેલા તારીખ - 22/07/2020ના રોજ જામનગર એલ. સી. બી. ના પોલીસ કર્મીઓ હરદીપ ઘાઘલ, દિલીપભાઈ, ભગીરથસિંહ સરવૈયા, બેડી મરીન પોલીસના હેતલબા રાઠોડ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા 2 દિવસ સુધી એલ. સી. બી. ઓફિસમાં ગોંધી રાખીને મારમારવામાં આવ્યો હોવાની જે તે સમયે જામનગર જીલ્લા પોલીસ વડા અને કોર્ટમાં ફરીયાદ અરજી દાખલ કરાયેલ હતી.

યોગરાજસિંહ ચુડાસમા નામના ફરિયાદીની ફરિયાદ અરજી અને પોલીસ રિપોર્ટ હોસ્પિટલના દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને કોર્ટએ ફરીયાદમાં બતાવ્યા મુજબના આરોપીઓ પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ફોજદારી ઇપીકો કલમ 323 અને 114 મુજબ ગુનો નોંધવા અને આગામી તારીખ - 13/01/2023ના રોજ જામનગર કોર્ટમાં હાજર થવા માટેના સમન્સ પાઠવવા જામનગરના ચોથા એડીશનલ સિનયર સિવિલ જજ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.


આ બનવામાં જામનગરના યુવાનને પોલીસ અટકાયતમાં લીધા પછી એલસીબી કચેરીએ ખસેડી ત્રણ પોલીસ કર્મી, એક મહિલા પોલીસ કર્મી અને અન્ય બે અજાણ્યા વ્યક્તિ સહિત છએ  માર માર્યાની અરજી પાઠવાયા પછી કોઈ પગલાં નહીં ભરાતા ભોગ બનનાર યુવાને હાઈકોર્ટમાં સ્પે. એપ્લીકેશન કરી હતી. તેના અનુસંધાને હાઈકોર્ટ સીઆરપીસી  156(3) હેઠળ જામનગરની ચીફ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા અને કાયદા મુજબ નિર્ણય કરવા હુકમ કર્યા છે.

તા. 22-7-2020ના દિને ગુરુદ્વારા ચોકડી પાસેથી એક મોટરમાં આવેલા બે વ્યક્તિએ બળજબરીથી મોટરમાં બેસાડી એલસીબી કચેરીએ લઈ જઈ માર માર્યા પછી તેનો મોબાઈલ ઝૂંટવી લીધાની અને આ યુવાનને એક મહિલા પોલીસકર્મી વગેરેએ બેરહમ માર માર્યાની અરજી અગાઉ એસપીને પાઠવવામાં આવી હતી.

ત્યારપછી આ યુવાનને ગોંધી પણ રાખવામાં આવ્યો હોય તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં વડી અદાલતે આ યુવાનની ફરિયાદ અંગે તપાસ કરવા અને જાણ કરવા હુકમ કર્યો હતો. તે પછી કોઈ કાર્યવાહી ન થતાં યોગરાજસિંહે કન્ટેન્ટ ઓફ કોર્ટ અંગેની અરજી હાઈકોર્ટમાં કરી હતી, વડી અદાલતે ફરિયાદની કાર્યવાહી કરવી તથા ગુન્હો બનતો ન હોય તો લેખિત કારણ આપવા હુકમ કર્યો હતો. તેની સામે આક્ષેપોને સમર્થન મળતું નથી તે પ્રકારનો પત્ર આપતાં યોગરાજસિંહે ડિસેમ્બર મહિનામાં ફરીથી એસપીને અરજી કરી હતી. તે બાબતે પણ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં ફરીથી અરજી કરાઈ હતી.

ત્યારપછી વડી અદાલતે તા. 25-7-2020ના દિને એસપીને અરજદારે આપેલી લેખિત ફરિયાદ બાબતે જામનગરની ચીફ કોર્ટમાં સીઆરપીસીની કલમ 156(3) હેઠળ ફરિયાદ અરજી દાખલ કરવા અને તે અરજી અન્વયે મેજીસ્ટ્રેટને કાયદા મુજબ નિર્ણય કરવા આદેશ કર્યો હતો.