ગુજરાત - મહારાષ્ટ્રમાં 20 ગુનાઓને અંજામ આપ્યો: ભીડ વાળા વિસ્તારમાં એકલી મહિલાઓને ટાર્ગેટ બનાવતી: સીટી એ ડિવિઝન પોલીસને મળી સફળતા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના બર્ધનચોક વિસ્તારમાંથી ખરીદી કરવા આવેલ મહિલાના 2.32 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ બે થી ત્રણ દિવસ પહેલા પહેલા સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ફોરવ્હીલ કારના નંબર પરથી સુરતથી ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા ગુજરાત તથા મહારાષ્ટ્ર સહિત 20 ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી.

મળતી વિગત મુજબ જામનગરમાં રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં રહેતા રક્ષાબા વિજયસિંહ ઝાલા નામના મહિલાના તા. 7-12-2022ના દિવસે દેરાણી સાથે બર્ધનચોક વિસ્તારમાં ખરીદી કરવા ગયા હોય ત્યારે વેપારીની દુકાનના ઓટા પર બેસીને ખરીદી કરતા હોય તે દરમ્યાન રૂ. 1,97,000ની કિંમતનું મંગળસુત્ર અને રૂ. 35,000ની કિંમતની સોનાની બૂટી રાખેલ પર્સ ચોરી થઈ જતાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાદમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવા અને સીટી એ ડિવિઝન પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બી.એસ. વાળા સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસતા હોય ત્યારે સ્ટાફના રવિભાઈ શર્મા, રૂષીરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાને એક મહિલા ફરિયાદીની પાછળ પાછળ રેકી કરતા શંકાસ્પદ હાલતમાં જોવા મળતા ત્યારબાદ મહિલા આરોપી કાર નંબર જીજે 05 આરજે 4298માં બેસીને જતી જોવા મળ્યા બાદ ગાડી નંબર પરથી તપાસ કરતા ગાડી હરેશ તેજા મોલીયા (રહે. ગોડાદરા નહેર, સુરત) નામના માલિકની જણાય આવતા સુરત જઈ ચંદ્રિકા હરેશ મોલીયાની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં ચોરીની કબુલાત કરતા જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવી મુદામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલા આરોપીની તપાસ હાથ ધરતા આ મહિલા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખરીદી માટેની મોટી બજારો ભરાતી હોય તેવી જગ્યાએ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી તેમની પાસે રહેલ પાકીટ તેમજ પહેરેલા સોનાના દાગીનાની ચોરી આચરતી હોય અને આ ચોરી પહેલા અન્ય 20 ચોરીઓને અંજામ આપી હોવાની કબુલાત આપી હતી.

આરોપી મહિલાનો ગુનાહિત ઈતિહાસ આ પ્રમાણે છે, સુરતમાં કાપોદરા પોલીસ સ્ટેશન, વડોદરા સીટી પોલીસ સ્ટેશન, વડોદરા વાડી પોલીસ સ્ટેશન, અન્ય પાંચ ગુના કાપોદરા પોલીસ સ્ટેશન, અન્ય બે ગુના સુરત વરાછા પોલીસ સ્ટેશન, અન્ય ત્રણ અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન, જામનગર સીટી એ ડિવિઝન, જુનાગઢ સીટી બી ડીવીઝન, જુનાગઢ કોડીનાર પોલીસ સ્ટેશન,  મહેસાણા ઉંઝા પોલીસ સ્ટેશન, સુરત ડીસીબી પોલીસ સ્ટેશન અને ત્રણ ગુના મહારાષ્ટ્રના કોલાબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ એ જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, રવિરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડીયા, રૂષીરાજસિંહ જાડેજા, રવીભાઈ શર્મા, શૈલેષભાઈ ગઢવી અને મહેન્દ્રભાઈ પરમારે કરી હતી.