જામનગર મોર્નિંગ - ગોંડલ

બે દબંગો વચ્ચે વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થયેલી બબાલ હજુ ચાલી રહી છે, રીબડા ગામે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઉગ્ર બબાલ થઇ હતી, સ્થિતી ખરાબ ન થાય તે માટે રિબડામાં પોલીસ કાફલો ઉતારી દેવાયો છે. રીબડાના પાટીદાર અમિત ખૂંટે કહ્યું છે કે હું મારી વાડીએ કામ કરી રહ્યો હતો ત્યારે મારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધ સિંહ જાડેજા, તેમના બે પૌત્રો રાજદીપસિંહ જાડેજા સત્યજીતસિંહ જાડેજા, તેમના સાથીઓ ટીનુભા જાડેજા, ધૃવરાજસિંહ જાડેજા અને લાલાભાઈ સામે ગુનો દાખલ કર્યો છે. ઝઘડો ગોંડલના જયરાજસિંહ અને રિબડાના અનિરૂદ્ધસિંહ પરિવાર વચ્ચેનો છે. જેમાં ચૂંટણીને લઇને હવે બે જૂથના લોકો આમને સામને આવી ગયા છે.

જયરાજસિંહ જાડેજાના પત્ની અને ગોંડલના ભાજપના ધારાસભ્યના ગીતાબા જાડેજાને રિબડાના કેટલાક પાટીદારો યુવાનો દ્રારા મત આપવામાં આવ્યાં હતા. જેથી જયરાજસિંહે રિબડામાં એક સંમેલનની જાહેરાત કરતા તેમના વિરોધીઓ સક્રિય થઇ ગયા હતા, રિબડા ગામના જે લોકો ગોંડલના જયરાજસિંહ સાથે હતા તેમને ધમકી અપાઇ છે. પાટીદાર અમિતને લમણે રિવોલ્વર બતાવીને ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. જેને આધારે હવે રિબડાના દબંગ પરિવારના સભ્યો સામે ગુનો દાખલ કરાયો છે. નોંધનિય છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ પરિવારે ભાજપમાંથી ટિકિટ માંગી હતી અને ટિકિટ જયરાજસિંહના પત્નીને મળતા તેઓ જીતી ગયા છે, હવે બંને ગ્રુપો વચ્ચે દુશ્મની વધી રહી છે.