સીટી સી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો: રૂ. આઠ લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે 


જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં ઉદ્યોગનગરમાં આવેલ બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી કોઈ અજાણ્યા શખ્સો 1725 કિલો ભંગાર કિમંત રૂ. 6 લાખ ઉપરાંતની ચોરી કરી નાસી જતાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારબાદ સીટી સી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ શખ્સોને ઝડપી લઈ રૂ. આઠ લાખનો મુદામાલ રિકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગરમાં વિજયભાઈ ભારોળીયાના પિતા કાનાભાઈના નામે બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી કોઈ અજાણ્યા શખ્સો દરવાજાનું તાળું તોડી બારીના સળીયા કાપી ગેરકાયદેસર પ્રવેશ કરી ભઠ્ઠીની અંદર સાઈડમાં મુકેલ બ્રાસનો ભંગાર બાચકા નંગ 15 અંદાજે 1125 કિલો તેમજ બ્રાસને ઓગાળી બનાવવામાં આવેલ અંદાજે 600 કિલો કુલ મળી 1725 કિલો કિમંત રૂ. 6,03,750ના મુદામાલની ચોરી કરી લઈ નાસી જતાં વિજયભાઈએ સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એ. પરમારની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે મહેન્દ્રસિંહ જાડેજા અને વિપુલભાઈ સોનાગરાએ સીસીટીવી ચેક કરતાં શંકાસ્પદ બોલેરો ગાડી દેખાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા ફેઝલભાઈ ચાવડા અને ખીમશીભાઈ ડાંગરે શૈલેષ મગન ચુડાસમા (રહે. મયુરનગર), રાજેશ પ્રતાપ કેવલરામાણી (રહે. ગ્રીનસીટી), આરમોન સુમન કેસી (રહે. નાધેડી, મુળ નેપાળ), વીરેન્દ્ર પ્રેમબહાદુર પરીયાર (રહે. નાઘેડી, મુળ નેપાળ) અને ભાવિક રમેશ રાઠોડ (રહે. તિરુપતિ સોસાયટી) નામના પાંચ શખ્સોને બ્રાસના ભંગાર 15 બાચકા 860 કિલો કિમંત રૂ. 3,01,000, બ્રાસના સીધા સળીયાના વાયર 582 કિલો કિમંત રૂ. 2,03,700, જીજે 16 ડબલ્યુ 8187 નંબરની બોલેરો ગાડી કિમંત રૂ. 3,00,000  અને સળીયા કાપવા ઉપયોગમાં લીધેલ સામાન કિમંત રૂ. 4000 સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, હીતેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.