હાઇપ્રોફાઇલ દરોડામાં રૂ. 250નો જ મુદામાલ ઝડપાયો: પરમીટ-લાયસન્સ વગર દારૂનું સેવન કરતાં નબીરાઓને દારૂ કોને પહોંચાડયો?

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર મહાકાળી સર્કલ પાસે આવેલ મીત્તલ ફાર્મહાઉસમાં દારૂની પાર્ટી પર સીટી સી ડીવીઝન પોલીસે દરોડો કરી માલિક સહિત પાંચ નબીરાઓને ઝડપી લઈ રૂ. 250નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં મહાકાળી સર્કલ પાસે આવેલ મીતલ ફાર્મહાઉસમાં ક્રિસમસની રાત્રે સીટી સી ડીવીઝન પોલીસે હાઇપ્રોફાઇલ ચાલતી દારૂની પાર્ટી પર દરોડો પાડતાં ફાર્મહાઉસના માલિક સહિત પાંચ શ્રીમંત નબીરાઓ દારૂનો નશો કરતાં ઝડપાયા હતા.

આ દરોડામાં મીતલ વિનોદભાઈ વસંત (રહે. નોરી બંગલો, પાર્ક કોલોની, કસ્ટમ હાઉસ), મંથન શૈલેષભાઈ મહેતા (રહે. પાર્ક કોલોની), વરૂન રાકેશભાઈ બંસલ (રહે. ઈંદ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, સ્વસ્તિક સોસાયટી), વિરાજ યજ્ઞેશભાઈ વીઠલાણી (રહે. કંચનગંગા એપાર્ટમેન્ટ, ક્રિકેટ બંગલા સામે) અને કરણ અમુલકરાજ ગ્રોવર (રહે. સુભમ સોસાયટી, નાઘેડી) નામના પાંચ નબીરાને કોઈપણ જાતની પરમીટ કે લાયસન્સ વગર ક્રિસમસની રાત્રીએ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગયા હતા અને સ્થળ પરથી ઈંગ્લિશ દારૂની બે બોટલ કિમંત રૂ. 250નો મુદામાલ કબ્જે કરી સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.આર. સીસોદીયાની હાજરીમાં પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જામનગરમાં ક્રિસમસની રાત્રે પોલીસે હાઇપ્રોફાઇલ દારૂની મહેફીલના દરોડાને લઈને જામનગરમાં ભારે ચર્ચા જમાવી છે, ત્યારે આ અંગે પોલીસને માહિતી કોને આપી અને અચાનક જ દરોડો પડ્યો તેને લઈને પણ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે, તેમજ આ હાઇપ્રોફાઇલ નબીરાઓને છોડાવવા માટે અનેક લોકોએ ભારે ધમપછાડા કર્યા હતા પણ પોલીસ ટસ ના મસ ન થયા અને તમામ શ્રીમંત નબીરાઓ સામે દારૂની મહેફીલ અંગેનો કેસ કરી લીધો હતો.


જ્યારે પોલીસની કાર્યવાહીએ પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે, ફાર્મહાઉસમાં શ્રીમંત નબીરાઓ પર દરોડો પાડયા બાદ મુદામાલમાં પોલીસને રૂ. 250નો ઈંગ્લિશ દારૂ જ મળી આવ્યો હતો, શ્રીમંતો પાસે મોબાઈલ, વાહનો કશું જ મળી ન આવ્યું તેમજ પાસ પરમીટ વગર દારૂ પાર્ટી કરતા હતા તો આ દારૂ જામનગરમાં ફાર્મહાઉસ પર કોણે પહોંચાડયો તેનું નામ પણ કાર્યવાહીમાં ખુલ્યું નથી, દારૂ પહોંચાડનાર આ શ્રીમંત કરતાં પણ વધુ શ્રીમંત હશે કે શું? કે પછી કામગીરી બતાવવા દરોડો કર્યો છે કે પછી દરોડા દરમ્યાન શ્રીમંત નબીરાઓ સાથે હૂંસાતૂંસી થઈ હશે? આ તમામ બાબતોની તપાસ થશે કે નહીં તેવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે 31 ડિસેમ્બર નજીક આવતાં જ જામનગરમાં પાર્ટીઓનો રંગ જામવા લાગ્યો છે, જો કે પોલીસ બાતમીના આધારે કાર્યવાહી કરતી હોવાથી હાલ પાર્ટીની રાહ જોતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.