તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહ- ૨૦૨૩ ની ઉજવણી કરાશે: દરેક નાગરિક પોતાની ફરજો પ્રમાણિકતાથી અદા કરી એક સુરક્ષિત સમાજનાં નિર્માણમાં સહભાગી બને- જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ: વાહન ચાલકને નસીબ એક વાર બચાવે છે, પરંતુ સાવચેતી વારંવાર બચાવે છે-પોલીસ અધિક્ષક ડો.રવીન્દ્ર પટેલ

જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ: ફિરોઝ સેલોત) 

માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. તેને નિવારવા અંગે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી દરેક વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના અવેરનેસ કાર્યક્રમો થકી માહિતગાર કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાનાં ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા ટ્રાફિક પોલીસ, ભાવનગર તેમજ આર.ટી.ઓ., ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનાં ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો જુના સી ડીવીઝન પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતેથી પ્રારંભ કરાવતાં જિલ્લા કલેક્ટરશ્રી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ વ્યક્તિનાં જીવન સાથે વર્ણવાયેલી છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થકી લોકજાગૃતિમાં વધારો થયો છે. માર્ગ સલામતી બાબતે કાળજી રાખવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. બેદરકારીપૂર્ણ કે નશો કરી વાહન ચલાવવું, ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું, ડ્રાઇવિંગ વખતે પૂરતો આરામ ન લેવો વગેરે જેવી બાબતો ઘણી વખત ગંભીર અકસ્માતોનું સર્જન કરે છે. ત્યારે દરેક નાગરિક પોતાની ફરજો પ્રામાણિકતાથી અદા કરે અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે.

નસીબ એક વાર બચાવે છે, પરંતુ સાવચેતી વારંવાર બચાવે છે તેમ જણાવી પોલીસ અધિક્ષક ડો.રવીન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, સરકાર પણ માર્ગ સલામતી બાબતે ખૂબ જ ગંભીર છે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે અનેક આગોતરા આયોજનો કરી રહી છે. આવા સંજોગોમાં જો આજથી જ જાગૃત નહી બનીએ તો ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેઓએ એન્જિનિયરિગ, એન્ફોર્સમેન્ટ તેમજ ડીસીપ્લીનની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કઇ રીતે અકસ્માતો નિવારી શકાય તેની રસપ્રદ વિગતો પૂરી પાડી હતી. અવેરનેસ ફક્ત સપ્તાહ પુરતી સિમિત ન રાખી આજીવન અવેરનેસ રાખવા દરેક નાગરિકને આહવાન કર્યું હતું. 

આ પ્રસંગે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દિલીપ યાદવ, ભાવનગર બાર કાઉન્સિલનાં ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલા, માજી મેયર મેહુલભાઇ વડોદરીયા, શતકવિર રક્તદાતા હનુમંતસિંહ સહિતનાં પ્રતિષ્ઠિત આગેવાનો, ટ્રાફિકનાં જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.