જામનગર - રાજકોટ આંગડીયા પેઢીમાં નકલી ચલણી નોટો ઝડપાઈ 

આંગડીયા પેઢીમાં નકલી નોટો ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ 

જામનગર મોર્નિંગ - રાજકોટ 

નકલી ચલણી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના દાવા પ્રમાણે, ગત અઠવાડિયે એક્સિસ બેન્ક દ્વારા 500 રૂપિયાના દરની 31 નકલી નોટો જમા થઈ હોવાની ફરિયાદ કરાઈ હતી. જેના આધારે તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત જાણવા મળી.

મળતી વિગત મુજબ રાજકોટના એ ડિવિઝન પોલીસ દ્વારા ભરત બોરીચા, તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, વિમલ બીપીનભાઈ થડેશ્વર, ગુરુપ્રીત સિંગ ઘનશ્યામદાસ કારવાણી તેમજ મયુર બીપીનભાઈ થડેશ્વર નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. તો સાથે જ ગણતરીની કલાકોમાં કમલેશ પુનાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે. હાલ કમલેશ પુનાવાલાને સ્થાનિક પોલીસે પોતાના સકંજામાં લીધો હોવાની વિગત સામે આવી છે. આ તમામ વ્યક્તિઓ ઉપર આરોપ છે કે, તેઓ નકલી ચલણી નોટોના ગુનામાં સંડોવાયેલા છે. કમલેશ પુનાવાલા સિવાયના તમામ આરોપીઓના 23 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર થયા છે. 

એક્સિસ બેન્કના બ્રાન્ચ ઓપરેશન હેડે એ ડિવિઝન પોલીસ ખાતે પોતાને ત્યાં ₹500ના દરની 31 નકલી ચલણી નોટ જમા થયા અંગેની ફરિયાદ કરી હતી. જે નકલી ચલણી નોટ એક્સિસ બેન્કના ખાતાધારક સંદીપભાઈ કાંતિલાલ સાપરીયાએ જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસે સંદીપ સાપરીયાની પૂછપરછ કરતા બેંકમાં જમા કરાવેલ ચલણી નોટ તેને આંગડિયા પેઢીમાંથી મેળવી હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન એ ડિવિઝન પોલીસે આંગડિયા પેઢીમાં નકલી ચલણી નોટ બાબતે તપાસ કરતા, નકલી ચલણી નોટ ભરત ઉર્ફે કિશોર મેરામભાઇ બોરીચા દ્વારા જમા કરાવવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ દરમિયાન ભરત બોરીચાની પૂછપરછ કરતા તેણે રાજકોટની આંગડિયા પેઢી તેમજ જામનગરની આંગડિયા પેઢીમાં પાંચ-પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. 

પોલીસના જણાવ્યા પ્રમાણે, ભરત કિશોર મેરામભાઇ બોરીચા રાજુલા સ્થિત ફેક્ટરી ચલાવી રહ્યા હતા. જે ફેક્ટરી ફળચામાં જતા તેઓ જ દેવામાં આવી ગયા હતા. દેવામાંથી ઉગાડવા માટે તેણે પોતાના મિત્ર તેજસ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણીને વાત કરી હતી. ત્યારે તેજસ જસાણીએ સમગ્ર મામલે પોતાના મિત્ર વિમલ થડેશ્વરને વાત કરી હતી. વિમલ થડેશ્વરને અગાઉ નકલી ચલણી નોટ બાબતે તેના પારિવારિક મિત્ર ગુરપ્રીત સિંઘ કારવાણી એ વાત કરી હતી. ગુરપ્રીત સિંઘે વિમલ થડેશ્વરને અગાઉ વાત કરી હતી કે, જો ક્યારેય નકલી ચલણી નોટ જોતી હોય કોઈને તો કહેજે મારો મામાનો દીકરો નકલી ચલણી નોટનું કામકાજ કરે છે.

આ વાત વિમલ થડેશ્વરને યાદ હતી ત્યારે સમગ્ર મામલે નકલી ચલણી નોટ જોઈ છે તે બાબતનું ગુરુપ્રીતસિંગને કહેતા તેણે પોતાના મામાના દીકરા કમલેશ પુનાવાલાને કહ્યું હતું. ત્યારે વિમલ થડેશ્વરની ઓફિસ ખાતે કમલેશ પુનાવાલા પાસેથી તેજસ બોરીચાએ ₹4,67,100ની નકલી ચલણી નોટ મેળવી હતી. જેના બદલામાં ભરત બોરીચાએ કમલેશ પુના વાલા ને 45% લેખે 2,10,200રૂ.ની કિંમતની અસલી ચલણી નોટ આપી હતી. ત્યારબાદ નકલી અને અસલી નોટોને ભેગી કરી ભરત બોરીચાએ રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ પીએમ આંગડિયા તેમજ જામનગર ખાતે આવેલ વી પટેલ આંગડિયા પેઢીમાં રૂપિયા પાંચ-પાંચ લાખ જમા કરાવ્યા હતા. રાજકોટ સ્થિત આંગડિયા પેઢીમાં 193 નકલી ચલણી નોટ જમા કરાવી હતી. જ્યારે કે વી પટેલ આંગડિયા પેઢીમાં 289 નકલી ચલણી નોટ જમા કરાવી હતી. જે બંને જગ્યાએથી પોલીસે કુલ 513 નકલી ચલણી નોટ કબજે કરી છે. 

હાલ તો પોલીસે ગુનાના કામે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ નકલી ચલણી નોટનો મુખ્ય માસ્ટર માઈન્ડ કમલેશ પુનાવાલાની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવશે. ત્યારે કમલેશ પુનાવાલાની પૂછપરછમાં તે કેટલા સમયથી નકલી ચલણી નોટના ધંધા સાથે સંકળાયેલો છે, તેમજ ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં તે નકલી ચલણી નોટ ઘુસાડી ચુક્યો છે? તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.