મકાન ખાલી કરાવવા બાબતે માતા- પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો
જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકાના ભથાણ ચોક વિસ્તારમાં જૂની ગૌશાળા સામે રહેતા રેખાબેન મોહનદાસ ગોંડલીયા નામના 50 વર્ષના બાવાજી મહિલા દ્વારકાના નાગેશ્વર ખાતે રહેતા પ્રકાશ કાંતિલાલ ચંદારાણાના માલિકીના મકાનમાં વર્ષોથી ભાડુઆત તરીકે રહેતા હતા અને તેઓ રેખાબેનને ભાડુઆત તરીકે રહેવા દેવા માંગતા ન હતા.
ત્યારે સોમવારે પ્રકાશ ચંદારાણા સાથે નાગેશ્વર ગામે રહેતા બાબુ સામરા સુમણીયા, મેવાસા ગામના રણમલ સામરા સુમણીયા અને રણધીર વાલા માણેક તથા અન્ય બે અજાણ્યા પુરુષ તથા અજાણ્યા બે મહિલાઓ આ સ્થળે ધસી આવ્યા હતા.
રેખાબેનના ઘરે આવી અને આરોપી શખ્સોએ ફળિયામાં આવેલું છાપરું તથા બાથરૂમ કોસથી તોડી પાડ્યા હતા. આટલું જ નહીં, ફરિયાદી રેખાબેનના પુત્ર મિથિલેશ ઉર્ફે મિથિલને તેઓએ ઢીકા પાટુનો માર મારી, નાસી છૂટ્યા હતા.

પાછળથી આવેલા બે અજાણ્યા મહિલાઓ તથા બે અજાણ્યા પુરુષોએ માતા પુત્ર સાથે ઝપાઝપી કરી, બિભત્સ ગાળો કાઢી, માતા-પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ચાર અજાણ્યા સહિત કુલ આઠ શખ્સો આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.