જામનગર સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી: રૂ. 9.19 લાખનું ફ્રોડ આચર્યું 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના રહીશ સાથે ફોરેન્સ કરન્સીના કર્મચારીની ખોટી ઓળખ આપી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ. 9.19 લાખનો ફ્રોડ કરતાં બે શખ્સોને જામનગર સાયબર ક્રાઈમે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઈમના પીઆઈ પી.પી. ઝાને એપ-બેઇઝડ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનેગારોને પકડી પાડવા સૂચના કરેલ હોય જેથી સાયબર ક્રાઈમની ટીમ તપાસમાં હોય ત્યારે જામનગરના ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલ ફરિયાદીને ફોરેક્સ કંપનીમાં કામ કરતા કર્મચારીની ખોટી ઓળખ આપી તેઓની કંપની ઓટો ટ્રેડિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને સમય કાઢ્યા વગર પૈસા ઇન્વેસ્ટ કરવાથી કંપની ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરશે તો દરરોજ 4% થી 5% રીટર્ન મળે છે અને ખૂબ ફાયદો થશે તેમ કહી વિશ્વાસમાં લઈ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન જે ફોરેક્સ કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે ફરિયાદીને ડાઉનલોડ કરાવી બાદમાં એકાઉન્ટ ખોલાવી કટકે - કટકે બેન્ક એકાઉન્ટમાં પૈસા નખાવી ફેક એપ્લિકેશનમાં બનાવેલ ફરિયાદીના એકાઉન્ટમાં ખોટો નફો બતાવી ફરિયાદી પાસેથી રૂ. 9,19,125 ઓનલાઈન ટ્રાન્સ્ફર કરાવી પડાવી લેતા ફરિયાદીએ જામનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં આરોપીને પકડવા નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી તપાસ કરતાં હોય તે દરમ્યાન કલ્પેશ મૈયડે ટેકનીકલ એનાલિસીસ કરી આરોપીઓની માહિતી એકત્રિત કરી પ્રણવભાઈ વસરા, ભગીરથસિંહ જાડેજા, રંજનાબેન વાઘ, કલ્પેશ મૈયડ અને વિકીભાઈ ઝાલાએ તપાસમાં  રહી આરોપીના લોકેશન વેરાવળ, રાજકોટ અને જામનગર આવતા હોય સતત વોચમાં રહી એજાજ અબ્દુલ ચૌહાણ (રહે. સોમનાથ વાડી વિસ્તાર, વેરાવળ) અને ફેજાન મહમદહુસેન જમાદાર (રહે. કૌશર કોલોની, સોમનાથ ટોકીઝ પાછળ, વેરાવળ) નામના બે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીએ આ રીતે ફ્રોડ આચર્યું હતું

વોટ્સએપ તથા ફોન પર વાત કરી ફોરેક્સ કરન્સી કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપી વિશ્વાસમાં લેવા ભોગ બનનારને 4 ટકાથી 5 ટકા સુધીનો લાભ અપાવવાની લાલચ આપી ફેક ઇન્વેસ્ટમેન્ટની થર્ડ પાર્ટી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વિશ્વાસમાં લઈ પૈસા ટ્રાન્સફર કરાવી એપ્લિકેશનમાં એક-બે દિવસમાં ખોટો પ્રોફિટ દેખાડી કંપની ઓટો ટ્રેડીંગ કામ કરે છે અને ભોગબનનારને પ્રોફિટ બતાવવા બે ત્રણ વખત નાની રકમ આપી વિશ્વાસમાં લઈ મોટી રકમ ઇન્વેસ્ટ કરાવી ફ્રોડ આચરતાં.