જામનગરમાં રાક્ષસી વ્યાજ લેનાર સામે ફરિયાદ નોંધાઈ: અન્ય ત્રણ વ્યાજખોરો સામે પણ ફરિયાદ નોંધાઈ
- વ્યાજખોરો વિરૂધ્ધ અભિયાન સરાહનીય બાબત છે, પણ મોટી માછલીઓ અને વ્હાઇટકોલરને નહીં પકડે ત્યાં સુધી સફાઈ નહીં થાય
જામનગર મોર્નિંગ - જામનગર
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે પગલાં લેવા માટેના ગૃહમંત્રીના આદેશો પછી રાજ્યભરમાં વ્યાજખોરો સામે પગલાં લેવાનું શરૂ કરાયું છે, જેના પગલે જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠેર ઠેર લોક દરબાર યોજાઈ રહ્યા છે અને વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા નાગરિકોની ફરિયાદના આધારે આવા તત્વો સામે શસ્ત્ર ઉગામવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં ચાર ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક વ્યાજખોર સામે છ નાગરિકોની એકાદ કરોડની રકમ હડપ કરી લેવા અંગે ગુનો નોંધાયો છે, ઉપરાંત અન્ય ત્રણ વ્યાજખોરો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.જામનગર દિવ્યમ પાર્ક વિસ્તારમાં શિવ પ્લાઝામાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ નામના એક વ્યાજખોર સામે એકી સાથે છ આસામીઓએ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં રૂ. એક કરોડ પાંચ લાખ જેટલી માતબર રકમનું રાક્ષસી વ્યાજ વસૂલી તેઓની મિલ્કત પચાવી પાડવા અંગે ઉપરાંત કોર્ટમાં ખોટા કેસના આધારે ચેક રિટર્ન કરાવી હેરાન પરેશાન કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
જ્યારે જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ ટપુભાઈ રાઠોડે ઘનશ્યામભાઈ પટેલ સામે ચાર લાખ રૂપિયાના એડવાન્સમાં રૂ. 50,000 વ્યાજ તેમજ એક દુકાન અઢી લાખની તેમજ તેની પત્નીના નામના મકાન અને તેની સબસીડીની રૂ. 2,71,000ની રકમ તથા મુદલના વ્યાજના રૂ. 3,80,000 મળી કુલ રૂ. 27,50,000 વસૂલ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે.
આ ઉપરાંત સંજયભાઈ શાંતિલાલ શાહ પાસેથી મુદલ અને વ્યાજ સહિત રૂ. 6,00,000ની રકમ પડાવી લીધાનું જાહેર કર્યું છે, ઉપરાંત સુરેન્દ્રનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ કરાવ્યો છે.
ત્યારબાદ કેશુભાઈ ભાનુભાઈ રાઠોડના પુત્ર ચિરાગના નામે ત્રણ લાખના બદલામાં બે લાખ રોકડા અને 16 લાખનું મકાન અને રૂ. 5,80,000ની દુકાન તેમજ રૂ. 8,00,000નુ બીજુ મકાન કુલ મળી રૂ. 31,80,000ની રકમ અને માલમત્તા પડાવી લીધાનુ જાહેર કરાયું છે.
તેમજ કરસનભાઈ વારોતરીયા પાસેથી રૂ. 45,00,000ના બદલામાં માત્ર વ્યાજના રૂ. 25,00,000 તથા રૂ. 15,00,000ની ત્રણ દુકાન અને જુદી જુદી બેંકના આઠ ચેક લખાવી લીધા છે અને તમામને સતામણી કરી ઉંચુ વ્યાજ વસૂલી બેંકના કોરા ચેકોમાં સહી કરાવ્યા પછી કોર્ટમાં ચેક રીટર્નના કેસો દાખલ કર્યા છે.
આ રીતે તમામ છ આસામીઓ પાસેથી રૂ. 1,05,31,000નુ વ્યાજ વસૂલી મિલ્કત પડાવી લીધા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉપરાંત જામનગરમાં મોહનનગર આવાસમાં રહેતા કેયુરભાઈ નિતીનભાઈ સંઘવીએ પટેલ કોલોની શેરી નંબર છમાં રહેતા નિલેશભાઈ દીક્ષિત અને વિમલભાઈ ખોલ સામે ગેરકાયદેસર નાણાં ધીરધાર કરી રૂ. 3,30,000ના બદલામાં રૂ. 7,50,000 જેટલું વ્યાજ વસૂલી લેવા અંગેની ફરિયાદ નોંધાવી છે અને મકાનના ઓરિજિનલ દસ્તાવેજની ફાઈલ પણ આંચકી લીધાનું જાહેર કર્યું છે.
ત્યારબાદ જામનગરમાં આનંદ બાગ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ કાંતિલાલ સોમૈયાએ જામનગરના હેમંતસિંહ જાડેજા નામના વ્યાજખોર સામે માસિક 30 ટકા લેખે રાક્ષસી વ્યાજ વસૂલી લીધાની ફરિયાદ નોંધાવી છે.
જયારે બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ડ્રાઈવર મોહમ્મદભાઈ જુસબભાઈ ચૌહાણને બેડીમાં જ રહેતી રોશનબેન ઈબ્રાહીમભાઈ મુંદ્રા અને વસીમભાઈ કરીમભાઈ શાંતિ સામે પણ પોતાની પાસેથી માસિક 10 ટકા લેખે ઉંચુ વ્યાજ વસૂલી ચેકમાં સહી કરાવી લીધા પછી ચેક રીટર્ન કરાવી હેરાન કરી માત્ર રૂ. 10,000ના ત્રણ લાખ વ્યાજ વસુલવા અંગેનું તેમજ ખોટા કેસ કરવાનું જાહેર કર્યું છે.
પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ઉપરોક્ત વ્યાજખોરોની ચુંગલમાં કોઈ ફસાયા હોય તો પોલીસ સ્ટેશને જાણ કરવા આહવાન કરવામાં આવ્યું છે, એ સમગ્ર બનાવની તપાસ પીએસઆઈ વી.એ. પરમાર દ્વારા ચલાવાઈ રહી છે.
0 Comments
Post a Comment