જામનગર મોર્નિંગ - જામનગર 

સિક્કાની સિમેન્ટ ફેકટરીના વિસ્તરણથી પ્રદૂષણમાં વધારો અને લોકોના જાનમાલની સુખાકારીને ધ્યાને લઇ ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રેસિડેન્ટ એડવોકેટ હારૂન પલેજા દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને કંપનીના જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા માગણી કરાઇ છે.

સિક્કાની દિગ્વિજ્ય સિમેન્ટ કંપની દ્વારા ચાલતાં હાલના એકમના પ્રદૂષણના કારણે અનેક લોકોની જાનહાની થઇ છે અને આજુબાજુના ગામોની ફળદ્રુપ ખેતીની જમીનો પણ બંજર બની ગઇ છે. તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો જુદી-જુદી બિમારીઓથી પીડાઇ રહ્યાં છે. આ કંપનીના વાયુ પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા અનેક વખત નોટિસો આપવામાં આવી છે. તેમ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. ફેકટરી દ્વારા દરિયાઇ વિસ્તારમાં પ્રદૂષણને કારણે માછીમારી ઉદ્યોગ પર પણ ગંભીર અસર પહોંચી છે. 

આ કંપનીની જે જગ્યા વિસ્તરણનો પ્રોજેકટ છે. તે મનઘડત અને ખોટી રીતે કંપનીએ બનાવેલ છે. જેમાં જમીનની હકીકતથી તદ્ન વિરૂધ્ધ છે. કંપની દ્વારા નકશામાં બતાવલે વિસ્તાર મુજબ પ્લાન્ટ વિસ્તારની હદ્માં હોસ્પિટલ તેમજ હાઇસ્કૂલ અને જિલ્લા પંચાયતનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલ છે. તેમજ પ્લાન્ટની બાજુમાં 500 મીટરની અંદર રહેણાંક વિસ્તાર આવેલા છે. આથી શાળામાં અભ્યાસ કરતાં બાળકોથી લઇ યુવાન પેઢીને પ્રદૂષણનો ભોગ બનવું પડે છે.

આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને પર્યાવરણ અને લોકોને થયેલ ગંભીર બિમારીઓની સઘન તપાસ કરી કંપનીના જવાબદારો સામે પગલાં લેવા માગણી કરાઇ છે. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.