ઘરમાં માલિક સુતા હોય અને ચોરી કરી નાસી જનાર શખ્સ ઝડપાયો

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના ચાંદીબજાર નજીકના વારીયાના ડેલામાં સપ્તાહ પહેલા એક આસામીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ સીટી એ ડિવીઝન પોલીસે ઉકેલ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા શખ્સની રૂ. ૩ર હજારના મુદ્દામાલ સાથે ek શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ જામનગરના ચાંદીબજાર વિસ્તાર પાસે આવેલા વારીયાના ડેલામા રહેતા પારસભાઈ અતુલભાઈ વારીયા નામના આસામી ગઈ તા. ૧૬ ના નીચેના ભાગના દરવાજા બંધ કરી માતા-પિતા સાથે મકાનના ઉપરના ભાગમાં સુવા ગયા પછી મોડી રાત્રીએ કોઈ તસ્કર તેમના મકાનમાં ઘુસ્યો હતો. આ શખ્સે મકાનના નીચેના ભાગમાં કોઈરીતે પ્રવેશ કર્યા પછી ત્યાં ટીંગાડવામાં આવેલા પારસભાઈના પેન્ટમાંથી રૂ. ર૪ હજાર રોકડા અને રૂ. ૮ હજારના ફોનની ચોરી કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ ગુન્હાની તપાસ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ શરૂ કર્યા પછી કેટલાક સીસીટીવીના ફુટેજ ચકાસવામાં આવ્યા હતાં. જેમાં એક શંકાસ્પદ શખ્સ જોવા મળ્યો હતો. પોલીસે તેના સગડ દબાવ્યા હતાં. તે દરમ્યાન સ્ટાફના ઋષિરાજસિંહ, રવિ શર્મા, રવિરાજસિંહ આર. જાડેજાને બાતમી મળી હતી કે, ચોરીમાં સંડોવાયેલો મનાતો શખ્સ બર્ધનચોકમાં આવ્યો છે. તે બાતમીથી પીઆઈ ગજ્જરને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના માર્ગદર્શન હેઠળ ધસી ગયેલા પોલીસ કાફલાએ બર્ધન ચોકમાંથી એજાજ કાદરભાઈ શેખ ઉર્ફે એજલા નામના શખ્સની અટકાયત કરી પોલીસ મથકે ખસેડી તેની પૂછપરછ કરાતા આ શખ્સે ઉપરોકત ચોરીની કબૂલાત આપી રૃા. ર૪ હજાર રોકડા અને રૃા. ૮ હજારનો મોબાઈલ કાઢી આપ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડ પણ લેવાની તજવીજ શરૂ કરી છે.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રૂષીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, ખોડુભા જાડેજા, રવિભાઈ શર્મા, રાજેન્દ્રસિંહ ડોડીયા, મહેન્દ્રભાઈ પરમાર, શૈલેષભાઈ ગઢવી, વિરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.