ફરીથી ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ્દ: 9 લાખ વિધાર્થીના ભવિષ્ય બગાડનાર કેતન બારોટ 9 વર્ષથી એડમિશનની દુનિયામા મોટુ નામ: 15 જેટલા શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ


જામનગર મોર્નિંગ - ગુજરાત 

ઉગતો સૂર્ય આશાનું પ્રતીક છે, પરંતુ રવિવારે ઉગેલા સૂર્યએ જુનિયર કલાર્કની પરીક્ષા આપવા માટે તત્પર ઉમેદવારોને નિરાશ કરી દીધા છે. વહેલી સવારે સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી પેપર ફૂટવાના આવેલ સમાચારથી જુનિયર કલાર્કની પરીક્ષા આપવા નીકળેલા અને પરીક્ષા કેન્દ્રો પાર પહોંચેલા ઉમેદવાઓને હૈયામાં ધ્રાસકો પડ્યો હતો. 

રાજ્યમાં ફરી એક વાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. એક યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. આજે પંચાયત પસંદગી સેવા મંડળની વર્ગ 3 ની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી. જે માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો.

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાવાની હતી. 29- 1- 2023 ની વહેલી સવારે પોલીસને મળેલી બાતમીને આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેની પાસેથી પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થવાના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. લુણાવાડા બસ સ્ટેન્ડ પર બસ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના આક્રોશને જોતાં રાજકોટ, જૂનાગઢ, જસદણ, કાલાવાડમાં બસ સ્ટેન્ડ પર જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે.ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઇ રહી છે.

વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પરત જવા ગુજરાત એસટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર કોલલેટર અને હોલ ટિકિટ બતાવીને એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, જ્યારે ફરી એક વાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે.

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે ચોંકવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આંતરરાજ્ય ગેંગ દ્વારા પેપરલીક કરવામાં આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ વિવિધ રાજ્યોના હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીમાં મુખ્ય સૂત્રધાર શેખર અને પ્રદીપ નાયક છે.  પેપરલીકમાં કેતન બારોટ અને ભાસ્કર ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસના સંચાલક ભાસ્કર ચૌધરીની સંડોવણી સામે આવી છે. વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલા ક્લાસીસ પર મોડી રાત્રે એટીએસની ટીમ ત્રાટકી હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

જુનિયર ક્લાર્ક પેપર લીકને લઈ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે બાયડના આરોપી કેતન બારોટ ની કુંડળી સામે આવી છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ હાલ પોલીસ ગિરફ્તમાં છે. મહત્વનું છે કે, 9 વર્ષથી એડમિશનની દુનિયામાં કેતન બારોટ નું મોટું નામ છે. મહત્વનું છે કે, બોગસ એડમિશન મામલે કેતન બારોટ જેલમાં રહી ચુક્યો છે આ સાથે આ આરોપી દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુક્યો છે.

100 દિવસમાં જુનિયર કલાર્કની પરીક્ષા યોજાશે: ફ્રીમાં બસ સેવા આપવામાં આવશે 

જામનગર મોર્નિંગ - ગુજરાત

પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું કે, પોલીસ તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી હતી અને કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, મહેનતું ઉમેદવારોને નુકસાન ન થાય તે માટે પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 100 દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. હવે જે પરીક્ષા લેવામાં આવશે તેમાં કૉલલેટરના આધારે ફ્રીમાં બસ સેવા કરી શકશે ઉમેદવારો તેમ પણ જણાવ્યું છે. 

જૂનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડ મામલે પંચાયત સેવા પસંદગી મંડળે પેપરલીક અને નવી તારીખ અંગે માહિતી આપતા કહ્યું કે, પેપરલિંક કાંડમાં ગુજરાત બહારની ગેંગ હોવાનું જણાય છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ પરિક્ષા પત્રની નકલ એક વ્યક્તિ પાસે મળી આવી હતી અને ગુના પહેલા જ 15 જેટલા લોકોની અટકાયત કરાઈ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો ને નુકશાન ન થાય તે માટે પરીક્ષા મોકૂફ રખાઈ છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે અને હવે આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવાશે. પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારે કહ્યું કે, શાળા-કોલેજોની પરીક્ષાને ધ્યાને લઈ નવી પરીક્ષાની તારીખ જાહેર કરાશે અને નવી પરીક્ષામા આવવા-જવા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે.

જૂનિયર ક્લાર્કનું પેપરલીક થવા મામલે ગુજરાત ATSએ ફરિયાદ નોંધી છે. એટીએસએ અત્યાર સુધી 15 આરોપીની કરી ધરપકડ કરી છે. મુખ્ય 2 આરોપી એટીએસની પકડથી દૂર છે. 15 આરોપીમાંથી 10 આરોપી પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. પેપરકાંડના 5 આરોપી ગુજરાતના વતની છે. ઝડપાયેલા તમામ આરોપી એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા છે.

ગુજરાત એટીએસ જણાવ્યું કે, હૈદરાબાદના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપરલીક થયું હતું તેમજ મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈ વડોદરા આવ્યો હતો તેમણે કહ્યું કે, અન્ય એક આરોપી કેતન બારોટ અમદાવાદનો વતની હતો. ગુજરાત એટીએસને ગઈકાલે પેપરલીક અંગે માહિતી મળી હતી. એટીએસ જણાવ્યું કે, 4 દિવસથી ગુજરાત એટીએસ ઈનપુટ એકત્રિત કરી રહ્યું હતું અને ગુજરાતના વિવિધ શહેરમાં એટીએસની ટીમો કાર્યરત હતી.  કેતન અને ભાસ્કર નામના 2 આરોપીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ 2019માં બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પેપરલીક મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયો છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને એટીએસએ ઝડપી પાડ્યો છે. 

ભરતી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ કહ્યું કે, 'સરકાર તરફથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અથવા ગુજરાતમાંથી કોઈ ભૂલ થઈ નથી. આ ગુજરાત બહાર પેપર ફૂટ્યું છે.  હાલ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સરકારે ઉમેદવારોના હિતોને ધ્યાને રાખીને પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.  મને ખબર છે કે ઉમેદવારોને ઘણી તકલીફ પડી હશે. પરંતુ પરીક્ષા મોકૂફ રાખવી વધારે સારી કે ખોટા લોકો ખોટી રીતે ગુજરાત સરકારની નોકરી મેળવે એ સારું. ગેરરીતિથી કોઈને નોકરી ન મળે તે માટે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.  લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે.'

ગુજરાતમાં પેપર ફૂટવાનું લિસ્ટ 

2014- રેવન્યુ તલાટીની ભરતી

2014- ચીફ ઓફિસર

2015- તલાટીની પરીક્ષા

2016- જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું 

2018- મુખ્ય સેવિકાની પરીક્ષા

2018- નાયબ ચિટનીસની પરીક્ષા

2018- લોક રક્ષક દળ

2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT

2019- બિન સચિવાલય ક્લાર્ક

2020- કોરોના કાળ 

2021- હેડ ક્લાર્ક

2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી

2021- સબ-ઓડિટર

2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું

2023- જૂનિયર કલાર્ક

જામનગરથી રાજકોટ જતા પરીક્ષાર્થીઓ પાસેથી એસટી બસ કન્ડેકટરે ટિકિટ વસૂલી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી. 9 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લામાં 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષા યોજાવાની હતી. જેથી ગઈકાલે રાત્રે જ મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રના જિલ્લા મથકોએ પહોંચી ગયા હતા. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. આજે સવારે 11 વાગ્યે આ પરીક્ષા શરૂ થવાની હતી. તેના 4 કલાક પહેલાં એટલે કે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ આ પરીક્ષા પેપર ફૂટવાના કારણે મોકૂફ રખાયાના સમાચાર મળ્યા હતા.

આ પછી પરીક્ષા મોકૂફ રાખ્યાની બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત થયેલી અને સરકારે એવી પણ જાહેરાત કરેલી કે, "પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે, જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર હોલ ટીકીટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. જેની સર્વે ઉમેદવારઓએ નોધ લેવી."

જોકે આ જાહેરાત અમુક અંશે પોકળ સાબિત થઈ. વાંકાનેરના દિવ્યેશ ચાવડા નામના ઉમેદવારે જણાવ્યું કે, તે અને તેના સાથી ઉમેદવાર એમ બંને ગત રાત્રે 12 વાગ્યે વાંકાનેરથી ટ્રેનમાં જામનગર પહોંચ્યા હતા. અહીંના પરીક્ષા કેન્દ્રમાં તેઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા. વહેલી સવારે જામનગર પહોંચ્યા ત્યારે તેઓને જાણ થઈ કે પેપર ફૂટી ગયું છે અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરંતુ ઉમેદવારોએ પરત જવા ભાડું ન ચૂકવવું પડે તે માટે સરકારે એસટી બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરી છે. જેથી તેઓ ત્રણેય ઉમેદવાર જામનગર બસ સ્ટેશન આવ્યા વાંકાનેર સીધી બસ ન મળે તે માટે તેઓ જામનગરથી રાજકોટ અને રાજકોટથી વાંકાનેર જવાના હતા. જોકે અહીં તેઓ રાજકોટ આવવા માટે એસટી બસમાં બેઠા ત્યારે કન્ડક્ટરે કહીં દીધું કે આ એક્સપ્રેસ બસ છે ટિકિટ લ્યો અથવા બસમાંથી ઉતરી જાવ. દિવ્યેશ અને તેના મિત્રએ કોલ લેટર બતાવ્યો તેમ છતાં તેમની પાસેથી ટિકિટના રૂપિયા વસુલ કરાયા.