કિશોરીઓને સ્વ-બચાવ,આરોગ્ય, શિક્ષણ અંગે જાગૃત કરવામાં આવશે: તા. ૫ થી ૧૨ જાન્યુઆરી સુધી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ કાર્યકમોનું આયોજન

જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 

રાજ્ય સરકાર દ્વારા દીકરી જન્મને વધાવવા, દીકરીઓના શિક્ષણ-પોષણ, બાળ લગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા સાથે કિશોરીઓને સશક્ત બનાવવા બ્લોક કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળા યોજાનાર છે. જે અંતર્ગત આઇ.સી.ડી.એસ. વિભાગ અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને આવતીકાલ તા. ૫ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી દરમિયાન ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને શહેર ખાતે કિશોરી સેમિનાર અને કિશોરી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારની ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ન જતી કિશોરીઓમાં વિવિધ વિષયો બાબતે જાગૃતિ આવે માટે "કિશોરી કુશળ બનો" થીમ અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

'કિશોરી કુશળ બનો' થીમ અંતર્ગત આયોજિત "સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન" મેળામાં કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ, વિવિધ યોજનાઓની જાણકારી, આરોગ્ય અને માસિકધર્મ સ્વચ્છતા સંબધિત, હિમોગ્લોબિન અને આરોગ્યની તપાસણી, ડિપ્થેરીયા વેકસીન કેમ્પ, કિશોરીઓનું બેન્ક ખાતું, સેલ્ફ ડિફેન્સને લગતી તાલીમ, કિશોરીઓ માટે પોસ્ટ ઓફિસ યોજના, , સ્વ-બચાવની તાલીમ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, ઘરેલુ હિંસા વિશે માહિતગાર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. 

તા. ૫ જાન્યુઆરીના રોજ ભાવનગરમાં શિશુ વિહાર સંસ્થા ખાતે, તા. ૬ જાન્યુઆરીના રોજ મહુવામાં માર્કેટિંગ યાર્ડ ખાતે અને જેસરમાં મામલતદાર કચેરી ખાતે, તા. ૭ જાન્યુઆરીના રોજ પાલિતાણા માનવડ મોર્ડન સ્કૂલ ખાતે અને ગારિયાધારમાં આઈ.સી.ડી.એસ કચેરી ખાતે, તા. ૯ જાન્યુઆરીના રોજ તળાજામાં ટાઉનહોલ ખાતે, તા. ૧૦ જાન્યુઆરીના રોજ ભાવનગર ગ્રામ્યમાં ડો. બાબા સાહેબ આંબેડકર હૉલ, પાનવાડી ખાતે અને સિહોરમાં આઈ.સી.ડી.એસ કચેરી ખાતે, તા. ૧૧ જાન્યુઆરીના રોજ ઘોઘામાં  બી.આર.સી. ભવન ખાતે, તા. ૧૨ જાન્યુઆરીના રોજ વલ્લભીપુરમાં બાલા હનુમાનજી મંદિર, કાનપર ગામ ખાતે અને ઉમરાળામાં માધવાનંદ આશ્રમ પ્લોટ વિસ્તાર ખાતે કાર્યકમો યોજાશે.