જામનગર મોર્નિંગ - જામનગર
ગુજરાતમાં જુનિયર કલાર્કની ભરતી માટે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાનુંં પેપર ફૂટવાની ઘટના અંગે જામનગર શહેર-જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે.. ગુજરાતની 'ભરોસાની ભાજપ સરકાર' સૂત્ર ઉપર વિશ્વાસ મૂકીને જંગી બહુમતિ આપી હતી. પણ આ ભરોસાની સરકારે યુવા વર્ગ, બેરોજગારોનો ભરોસો તોડી તેમની ક્રૂર મજાક કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપરત કરી વિરોધ દર્શાવવા ઉપરાંત વિવિધ માંગણીઓ રજુ કરી હતી. આ આવેદનપત્રમાં અત્યાર સૂધીમાં ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મૂકવામાં આવે, હાલના બનાવ માટે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે. અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ-રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પૂરા કરવામાં આવે. હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂ.પ૦,૦૦૦ વળતર આપવામાં આવે. સરકારી પ્રેસ હોવા છતા કોના ઈશારે પેપર ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ન છપાય તેવી જોગવાઈ કરવામાં આવે., વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે. જેથી રોજે રોજ પેપર ફૂટવાના દૂષણને નિવારી શકાય. વગેરે માંગણી કરવામાં આવી છે. ગુજરાતના નવ-યુવાનોના હિતમાં અને સરકારનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવા માટે આટલા પગલાં તાત્કાલિક ભરશો, જો સરકાર જરૃરી પગલા નહિં ભરે તો આગામી દિવસોમાં યુવા-જાગૃતિ માટે અને ગુનેગારોને સજા અપાવવા માટે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાર્યક્રમો હાથ ધરશે. તેમ આવેદનના અંતે જણાવાયુ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્રસિંહ સોઢા, લોકસભા પ્રમુખ દુર્ગેશભાઈ ગદલિંગ, જિલ્લા પ્રમુખ વશરામભાઈ આહીર, શહેર મહામંત્રી આશિષભાઈ કંટારીયા, કે.પી. બથવાર જિલ્લા શહેર ઇન્ચાર્જ નિલેશ ખાખરીયા, આશિષભાઈ સોજીત્રા, મયુરભાઈ ચાવડા, નિલેશભાઈ ભાલારા, સાવજભાઈ દુધાગરા, રસિકભાઈ પ્રજાપતિ, અનિલભાઈ દવે, હનીફભાઈ મલેક, નુરાભાઈ દાઢી, જગદીશભાઈ ચંદ્રપાલ, પ્રવિણભાઈ ચનિયારા, રજાકભાઈ કુંગળા, રાજુભાઈ, અરવિંદ શુકલા, હરપાલસિંહ, ઈન્દુબેન રાવલ, જેતુનબેન બેલાઈ, અસ્મિતાબા, નિમુબેન મકવાણા, જાકીરભાઈ ખીરા, એજાજભાઈએ ખફી, ઈકબાલભાઈ રાવકુડા, જયપાલસિંહ જાડેજા, વર્ષાબા સોઢા, હિતેશભાઈ રૂડકીયા, દેવજીભાઈ ચાવડા, નરેશભાઈ માતંગ, ઘનશ્યામભાઈ નકુમ, દિલીપભાઈ રાઠોડ તેમજ હોદ્દેદારો વગેરે જોડાયા હતાં.
0 Comments
Post a Comment