યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કર્યો: શહેરમાં બે શ્રમિકોના અપમૃત્યુ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં સાંઢીયાપુલ નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધ મહિલાને અજાણ્યા કારચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ઓવરબ્રીજ નીચે આવેલ રેલ્વેના પાટા પર યુવાને પડતું મુકી જિંદગી ટૂંકાવી હતી ઉપરાંત શહેરમાં બે શ્રમિકોના અપમૃત્યુ નિપજતા પોલીસે ચારેય બનાવની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર નજીક કનસુમરા પાટિયા પાસે કારખાનામાં મજૂરી કામ કરતા ઉમેશ રામલખન નામના પરપ્રાંતિય યુવાનના વૃદ્ધ માતા બોદીમોદેવી (ઉ.વ. 60) મંગળવારે સવારે નવ વાગ્યા આસપાસ બાળકોને સ્કૂલે મૂકીને પરત ફરી રહ્યા હતા, જે દરમ્યાન એક અજાણ્યા કાર ચાલકે તેઓને હડફેટે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, આ અંગે મૃતકના પુત્ર ઉમેશ લલનરામે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જ્યારે જામનગરમાં ગોકુલનગર નજીક સરદારનગર શેરી નંબર - 6માં રહેતા અને વેલ્ડિંગ કામ કરતા વિજય હસમુખભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ. 33) નામના યુવાને મંગળવારે બપોરે અંધાશ્રમ પાસે ઓવરબ્રીજ નીચેથી પસાર થતી રેલ્વે લાઈનના પાટા પર પડતું મુકી આપઘાત કરી લેતાં તેના પિતા હસમુખભાઈએ સીટી સી ડીવીઝન પોલીસમાં જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ જામનગર શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતો પૃથ્વીરાજ ઘનશ્યામસિંહ ચૌહાણ (ઉ.વ. 32) નામના યુવાનને એકાએક તાણ ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરાતા ઘનશ્યામસિંહે પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડીવીઝનમાં જાણ કરતાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

અને જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા અને નવા બંદરે મજૂરી કામ કરતાં વશરામભાઈ સવદાસભાઈ મકવાણા (ઉ.વ. 46) નામના યુવાન નવા બંદરે નોકરી પર હોય ત્યારે એકાએક મોઢામાંથી ફીણ નીકળી જતાં બેભાન હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતાં પુત્ર સાગરે  પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.