• કલેકટર, પોલીસ વડા સહિતનો કાફલો તૈનાત: બોમ્બ સ્કોવર્ડ સહિત એમ્બ્યુલન્સ એરબેઝ પહોંચી


જામનગર મોર્નિંગ - જામનગર 


અઝૂર એર લાઇન્સના પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા સાથે ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બોમ્બને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ બોમ્બ સ્કોવોડ સહિત સુરક્ષા જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, તેમાં 200 મુસાફરો સવાર હતા.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોસ્કોથી ગોવા જઈ રહી હતી. તેમાં બોમ્બની આશંકાને લઈને જામનગર એરપોર્ટ પર તેનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ જામનગરની એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતના સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટર સહિત પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાલ એરપોર્ટમાં છે અને જામનગર એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોર્ડ પણ પહોંચી ગઈ છે. તેમજ 5થી વધુ એમ્બ્યુલન્સ પણ હાલ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, મોસ્કોથી આવતી આ ફ્લાઇટ ચાર્ટર પ્લેન છે. આ પ્લેન જામનગર શહેર પર 20 મિનિટથી વધુ સમયથી ચક્કર લગાવતું હોવાની પણ સૂત્રોમાંથી માહિતી મળી છે.

હાલ તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યાં છે. સમગ્ર ફ્લાઇટનું બોમ્બ સ્કોવોડ તેમજ પોલીસ સહિતની ટીમો દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ એરપોર્ટ ઉપર તમામ મુસાફરોને રાખવામાં આવ્યાં છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાના કારણે જામનગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો એરપોર્ટ પર પહોંચ્યો છે. હાલ રિલાયન્સ કંપનીની ચારથી વધુ બસ એરપોર્ટની અંદર ગઈ છે. જેને લઈ કોઈ વીઆઈપી લોકો ફ્લાઈટમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.