જુદા જુદા રાજ્યના પુષ્કર્ણા બ્રાહ્મણોના આગેવાનોની ખાસ મીટીંગ યોજાઈ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
સમગ્ર ભારત સહિત દેશ વિદેશમાં વસતા આશરે 65 લાખ જેટલા સમસ્ત પુષ્કર્ણા (પુષ્ટિકર) બ્રાહ્મણ સમાજનાં ઇષ્ટ (આરાધ્ય) દેવનું મુખ્ય મંદિર દેવભૂમિ દ્વારકાનાં બેટ-દ્વારકા ખાતે આવેલું છે. જે અંદાજે 500 વર્ષનો ઇતિહાસ ધરાવે છે.આ પૌરાણિક મંદિર સંદર્ભે કુલ 125 ટ્રસ્ટીઓનાં ટ્રસ્ટમંડળ સાથે એક નવીન અધિકૃત સાર્વજનિક ટ્રસ્ટ "શ્રી કેશવરાયજી મંદિર ટ્રસ્ટ, બેટ-દ્વારકા, ગુજરાત" નાં નામથી રજીસ્ટર કરવા તાજેતરમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી કુલ 28 વ્યક્તિઓ સાથેની અરજી દેવભૂમિ દ્વારકાનાં ચેરીટી કમિશ્નર કચેરીએ રજુ કરવામાં આવી હતી.
આ શુભારંભને સ્થાનિય પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના સહકારથી ખૂબ જ ઉત્સાહિત રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાનથી આવેલા મહેમાનો દ્વારા નવીન ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરીને સ્થાનિક વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખંભાળિયા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટી મંડળનાં દરેક પદાધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખંભાળિયા પુષ્કર્ણા મહિલા અગ્રણી હીનાબેન હિતેન્દ્રભાઇ આચાર્ય (કારોબારી ચેરમેન - ખંભાળિયા નગરપાલિકા) નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્નેહ મિલન અને સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યા જ્ઞાતિજનો અને વિવિધ ક્ષેત્રના વ્યક્તિવિશેષોના સહકાર તથા સમર્થન દ્વારા આ પૌરાણિક મંદિરના કાયાકલ્પ અને ભવ્ય નૂતન મંદિરના નવનિર્માણનાં સંકલ્પ સાથે આગામી સમયમાં સમગ્ર દેશના પુષ્કર્ણા બ્રાહ્મણોને જોડી ને કુલ 125 લોકો સાથેનું એક સશક્ત ટ્રસ્ટ મંડળ બનાવવા સમાજ અગ્રણીઓ દ્વારા પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જામનગરના ભરતભાઈ ઓઝા, દિલીપભાઈ બોડા અને મુંબઈના સુધીરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
0 Comments
Post a Comment