જામનગર મોર્નિંગ - જામનગર 


ઈન્કમટેક્સ વિભાગમાં નોકરીએ ચઢાવી દેવાનું કહી નગરના શખ્સે રૂ.૧ લાખ ૯૦ હજાર પડાવી લેતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

મળતી વિગત મુજબ લાલ૫ુર તાલુકાના ગજણા ગામમાં રહેતા ધર્મેન્દ્રગીરી લાભુગીરી ગુસાઈ નામના બાવાજી પ્રૌઢના બહેન જામનગરમાં વસવાટ કરે છે. તે મહિલાના પાડોશમાં રહેતા મૂળ જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના વતની અને હાલમાં ખોડિયારકોલોની સામે એનઆરઆઈ બંગ્લોઝમાં રહેતા વિશાલ હેમતભાઈ કણસાગરા નામના શખ્સનો પરિચય થયો હતો. આ શખ્સે પોતાની ઓળખાણથી કેટલાય નોકરી વાંચ્છુઓને સરકારી નોકરીમાં લગાડ્યા હોવાની શેખી હાંકયા પછી ધર્મેન્દ્રગીરીના બહેન સાથે પણ તેવી વાત કરતા આ મહિલાએ પોતાના ભાઈના પુત્રને નોકરીએ લગાડવાનો છે તેમ કહેતા વિશાલ કણસાગરાએ આ મહિલાના ભત્રીજાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી લગાડી દેવાની આંબા આંબલી બતાવી હતી. તે પછી ધર્મેન્દ્રગીરીએ આ શખ્સનો સંપર્ક કર્યાે હતો. ગયા વર્ષના માર્ચ મહિનામાં જામનગર વિશાલ કણસાગરાને મળવા આવેલા ધર્મેન્દ્રગીરીએ આ શખ્સની વાતોમાં આવી રૂ. ૧ લાખ રોકડા આપ્યા હતા. આ વેળાએ વિશાલે તે રકમ નોકરી મેળવતા પહેલા બોન્ડ લેવાના છે તેમ કહી મેળવ્યા પછી છ મહિનામાં નોકરી મળી જશે તેમ કહ્યું હતું પરંતુ છ મહિના પછી નોકરી નહીં મળતા ધર્મેન્દ્રગીરીએ વિશાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ આ શખ્સ મળ્યો ન હતો. તેથી પોતાના પુત્રને નોકરી અપાવી દેવાનું કહી વિશાલે રૂ.૧ લાખની છેતરપિંડી કર્યાની ધર્મેન્દ્રગીરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે ગજણા ગામના વિપુલભાઈ કરશનભાઈ પરમાર નામના ખવાસ પ્રૌઢ સાથે પણ, તેઓના પુત્રને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાનું કહી વિશાલ કણસાગરાએ ગયા એપ્રિલ મહિનામાં રૂ.૯૦ હજાર પડાવી લીધા હતા. ધર્મેન્દ્રગીરી ગજણા ગામમાં પાન-મસાલાનો વ્યવસાય કરે છે જ્યારે વિપુલભાઈ રિક્ષા ચલાવે છે. સિટી-સી ડિવિઝન પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.