જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં સરૂ શેકસન રોડ પર રહેતા મુળ રાજસ્થાનના યુવાન સાથે એક શખ્સે ટ્રેનમાં મિત્ર બનાવ્યા બાદ ફ્લેટ અપાવી દેવાની લાલચ આપી યુવાન પાસેથી કટકે કટકે રૂ. 25 લાખ પડાવી લઈ શખ્સે બાદમાં છેતરપીંડી આચરી હોવાની જાણ થતાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગુરુકૃપા હાઇટ્સ નામના બિલ્ડિંગમાં રહેતા રાજીવ મહાવીર દધીચી નામના 40 વર્ષના યુવાને પંચવટી વિસ્તારમાં કિસ્મત વીલા નામના મકાનમાં રહેતા શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નિર્બાન નામના શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ મકાનની લાલચ આપ્યા ઉપરાંત ઇનકમ ટેક્સના અને બેંકના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપીંડી આચરી હોવાની રાવ કરી છે.

રાજીવ દાધિચા નામના યુવાને ફરિયાદમાં નોંધાવ્યું કે પોતાને આરોપી શૈલેન્દ્રસિંહ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મિત્રતા થઈ હતી, અને પોતાને પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી સૌપ્રથમ 40,000 રૂપિયા લીધા હતા. જેનો વિશ્વાસ કેળવવા ભેજાબાજ આરોપીએ પરત પણ કરી દીધા હતા. ત્યારબાદ ફ્લેટ અપાવી દેવાની લાલચ આપી કટકે કટકે અલગ અલગ સમયે મળી કુલ 25 લાખ જેટલી રકમ મેળવી લઈ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

ઉપરાંત એસબીઆઇ, એચડીએફસી બેન્ક, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વગેરેના ખોટા ડોક્યુમેન્ટ સાથેના મેસેજ બનાવીને વોટ્સએપના માધ્યમથી તેનો ઉપયોગ કરી પોતાને છેતર્યો હતો, અને પચીસ લાખની રકમ હડપવકરી લીધી હતી. ત્યારબાદ આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે, અને શૈલેન્દ્ર સિંહ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 406,420, 465, 468 અને 471 મુજબ ગુન્હો નોંધ્યો છે. હાલ આ મામલે સીટી બી ડિવિઝન પોલીસના પીએસઆઇ બી બી કોડીયાતર તપાસ ચલાવી રહ્યા છે.